ફ્યુચર રિટેલનો 10 ટકા હિસ્સો હસ્તગત કરવાની તૈયારીમાં એમેઝોન

ફ્યુચર રિટેલનો 10 ટકા હિસ્સો હસ્તગત કરવાની તૈયારીમાં એમેઝોન
એજન્સીસ
મુંબઈ, તા. 13 અૉગ.
યુએસ સ્થિત એમેઝોન.કોમ ભારતના ફ્યુચર રિટેલનો 10 ટકા હિસ્સો હસ્તગત કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.
ટર્નઓવરની દૃષ્ટિએ ભારતના નં.2 રિટેલર કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રુપ ગણાય છે. ફ્યુચર ગ્રુપ એમેઝોન પાસેથી રૂા. 20 અબજ (28.1 કરોડ ડૉલર) જેટલું વેલ્યુએશન ઇચ્છી રહ્યું છે.
ફ્યુચર રિટેલ ભારતના 400 શહેરોમાં 2000થી વધુ સ્ટોર ચલાવે છે જેમાં `િબગ બજાર' સ્ટોરનો પણ સમાવેશ થઈ જાય છે. બિગ બજાર એ ગ્રોસરી સ્ટોર ચેઇન છે. ફ્યુચર રિટેલ `એફબીબી' બ્રાન્ડ હેઠળ અફોર્ડેબલ ફેશનવેર ચેઇન ધરાવે છે. આ સોદાથી એમેઝોનને ભારતમાં ઘરગથ્થુ ઉત્પાદનોની અને હોમ ડિલિવરી થતાં તાજા શાકભાજી-ફળોની વધતી માગને સંતોષી શકવાની તક મળશે. એમેઝોને 2017માં 13.7 અબજ ડૉલરના ખર્ચે હોલફૂડ માર્કેટ ઇન્કો. હસ્તગત કરી યુએસ ફૂડ રિટેલિંગ ક્ષેત્રે પગપેસારો કર્યો હતો. ચીનમાં પીછેહઠ બાદ અમેરિકન ઓનલાઇન જાયન્ટે ભારત પર નજર ઠેરવી છે.
જેફ બેઝોસ અંકુશિત આ કંપનીને તેની હરીફ વોલમાર્ટ ઇન્કો અને મુકેશ અંબાણીના ઈ-કોમર્સ વેન્ચર સામે લડવાનું સામર્થ્ય આ સોદાથી મળી રહેશે. વોલમાર્ટે ગત વર્ષે 16 અબજ ડૉલરના ખર્ચે ભારતીય ઈ-ટેલર ફ્લિપ કાર્ટ ઓનલાઇન સર્વિસીસ પ્રા.લિ. હસ્તગત કરી હતી.
એમેઝોન અન્ય ભારતીય બ્રીક-એન્ડ-મોર્ટર ચેઇન્સ જેવી કે શોપર્સ સ્ટોપ લિ. અને આદિત્ય બિરલા ગ્રુપની ગ્રોસરી ચેઇનમાં નાનો હિસ્સો ધરાવે છે.
ભારતનું મોર્ડન રિટેલ માર્કેટ જે ગત વર્ષે 79 અબજ ડૉલરનું હતું તે વધી 2023 સુધીમાં 188 અબજ ડૉલર થવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer