શૅરબજારમાં નિરાશા ઘેરાઈ

શૅરબજારમાં નિરાશા ઘેરાઈ
આંતરિક, બાહ્ય કારણોએ સૂચકાંકોમાં ગાબડાં, રૂપિયો તૂટયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.13 અૉગ.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરનું ગંભીર સ્વરૂપ, હૉંગકૉંગમાં ચીન વિરોધી ઉગ્ર બની રહેલું આંદોલન, આર્જેન્ટિનાના ચલણ પેસોમાં વિક્રમી ઘટાડો અને કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં એફપીઆઈ ઉપર ઊંચા વેરા લાદવાની જોગવાઈ હળવી કરવા નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા અપાયેલી ખાતરીનો અમલ થવામાં વિલંબ થતા ભારતીય શૅરબજારમાં આજે ચોમેર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. 
આર્જેન્ટિનાનું ચલણ નબળું પડતાં ભારતીય રૂપિયો આજે 38 પૈસા તૂટી યુએસ ડૉલર સામે ઈન્ટ્રાડેમાં 71.15ના સ્તરે પહોંચ્યો હતો. હૉંગકૉંગમાં સ્થાનિક નાગરિકો દ્વારા આજે મુખ્ય ઍરપોર્ટ કબજે કરવામાં આવતા ચીન વિરોધી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને હૉંગકૉંગની સીમા ઉપર ચીનના સશત્ર દળો ગોઠવાતા એશિયાના તમામ બજારો કડડભૂસ થયાં હતાં. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોર પણ ઉગ્ર થતા ભારતીય બજારો નર્વસ બની વેચવાલી તરફ સરી પડયા હતા. સેન્સેક્ષ દિવસના અંતે 624 પોઈન્ટ્સ અને નિફ્ટી 183 પોઈન્ટ્સ ઘટીને બંધ થયા હતા. આ સમગ્ર વેચવાલીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર ઈન્ટ્રાડેમાં 10 ટકાથી વધુ ઉછળતા શૅરબજારમાં બેફામ બનેલી વેચવાલીને થોડા અંશે બ્રેક લાગી હતી. 
બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા એફપીઆઈ ઉપર ઊંચા વેરામાં રાહત આપવાના વચનપાલનમાં થઈ રહેલી ઢીલથી સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને આજે રહ્યો હતો અને તેની સીધી અસર શૅરબજાર ઉપર આવી હતી. 
માર્કેટ નિષ્ણાત સંદિપ સભરવાલે ટ્વીટ કરી જણાવ્યું કે, સરકાર દ્વારા માત્ર નિવેદનો થઈ રહ્યા છે, તેનાથી કઈ પરિવર્તન આવે તેમ નથી. મંદીની દિશા તરફ ધકેલાઈ રહેલા અર્થતંત્રને બચાવવું હોય તો તરત જ પગલાં લેવાની આવશ્યકતા છે. શૅરબજારે માની લીધું છે કે માત્ર ઠાલા વચનોથી કોઈ પરિણામ નહી આવે, પગલાં લેવા જરૂરી છે. 
વૈશ્વિક સ્તરે આર્જેન્ટિનાનું ચલણ પેસોમાં મોટો ઘટાડો આવતા સમગ્ર એશિયાના દેશોનાં ચલણ ડૉલર સામે તૂટયા હતા. તેની અસરે ભારતીય રૂપિયો પણ યુએસ ડૉલર સામે નબળો પડયો હતો. આર્જેન્ટિનાનો પેસો એક જ સેશનમાં 30 ટકા જેટલો તૂટયો હતો. 
દરમિયાન ગયા શુક્રવારે જાહેર થયેલા આઈઆઈપીના આંકડાએ પણ વેચવાલીનું જોર વધાર્યું હતું. જૂનમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી બે ટકા થતા શૅરબજારમાં નિરાશા વ્યાપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer