અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા બૅન્કો દ્વારા મહામંથન

હૃષિકેશ વ્યાસ 
અમદાવાદ, તા. 20 અૉગ.
અર્થતંત્ર ભારે મંદીમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે સરકારે તમામ બૅન્કોને મંદીમાંથી બહાર કેવી રીતે લાવવી તે માટે પાછલા શનિ-રવિની  રજા રદ કરી બે દિવસ મહામંથન કરવા આદેશ આપ્યા હતા. જેને પગલે ગુજરાતમાં લગભગ તમામ બૅન્કોના બ્રાન્ચ મૅનેજરો સહિતના અધિકારીઓએ મહામંથન કર્યું હતું.
બે દિવસના મહામંથનમાં આર્થિક વૃદ્ધિ માટે ક્રેડિટ સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ક્રેડિટ સપોર્ટ, ખેડૂતોની આવક બમણી કરવી, જળશક્તિ, હરિયાળી  અર્થવ્યવસ્થા માટે સપોર્ટ, સ્વચ્છ ભારત, મહિલા સશક્તિકરણ, એમએસએમઇ/ મુદ્રા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, એજ્યુકેશન લોન, બ્લ્યુ ઇકોનોમી, નિકાસ ક્રેડિટ, રોકડ વિના ડિજિટલ વ્યવહારો, તકનીકી નાણાકીય સમાવેશ, સીધો લાભ સ્થાનાંતરણ, સરળ જીવન, સ્થાનિક અગ્રતા સાથે જોડાણ, કોર્પોરેટ સ્થાનિક જવાબદારી જેવા મુદ્દાઓ અંગે પરામર્શ કરાયો હતો. દેશભરમાંથી સામે આવનારા સૂચનોને આધારે સરકાર નવી નીતિ  ઘડે કે પેકેજ જાહેર કરે તેવી પૂરી સંભાવના છે.  
કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારામનની અમદાવાદ મુલાકાત બાદ બૅન્કોના તમામ અધિકારીઓએ શનિ-રવિના રજા રદ કરી મહામંદીમાંથી અર્થતંત્રને બહાર કાઢવા મહામંથન કર્યું હતું. અમદાવાદ ખાતે સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઇ), બૅન્ક અૉફ બરોડા, યુકો બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક અૉફ ઇન્ડિયાના બે દિવસીય મહામંથનના કાર્યક્રમમાં બૅન્કના એમડી-સીઇઓની ઉપસ્થિતિમાં બ્રાન્ચ મૅનેજર કક્ષાના અધિકારીઓથી લઇને ઝોનલ અને જરલ મૅનેજર સુધીના અધિકારીઓના સૂચનો લેવામાં આવ્યા હતા.  બૅન્કની કઇ શાખાઓમાં કેવું કામ થઇ રહ્યું છે, તેની પણ વિગતે ચર્ચા થઇ હતી. 
એસબીઆઇના ચીફ જનરલ મૅનેજર દુખબંધુ રથના જણાવ્યા અનુસાર, મહામંથનને મુખ્ય ઉદ્દેશ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ વધારવા, ઇનોવેશન લાવવા માટે અને ડેટા એનાલિટિક્સને સક્ષમ બનાવવા ટેકનૉલૉજીના ઉપયોગને વધારે ઉપયોગ કરવાની ચર્ચા થઇ હતી.
બૅન્ક અૉફ બરોડાના કાર્યપાલક નિર્દેશક વી. એસ. ખીચીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહે ઝોનલ અને ક્ષેત્રીય પ્રમુખો સાથે પરામર્શ કરાશે અને તે પછી ઉચ્ચ સ્તરીય મૅનેજમેન્ટ દ્વારા બૅન્કોને સુદૃઢતા પ્રદાન કરવાવાળા મુદ્દાઓ પર વ્યૂહરચના તૈયાર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અથવા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમનની સમક્ષ રજૂ કરવામાં આવશે. 
સરકારી બૅન્કોના કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે તોછડાઇભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે તેને કારણે ગ્રાહકો પ્રાઇવેટ બૅન્કો તરફ વળી રહ્યા હોવાના મુદ્દે ય ચર્ચા થઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer