દૂધમાં વિટામિનનું ફોર્ટિફિકેશન કરવાનો અમૂલનો ઇનકાર

એનડીડીબીના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનો તેના હોમ ટાઉનમાં જ વિરોધ!

અમદાવાદ, તા.20 અૉગ.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો દૂધના ફોર્ટિફિકેશન (ગુણમાં વધારો કરતાં વિટામિન ઉમેરવાં)ના પ્રોગ્રામને તેના હોમ ગ્રાઉન્ડ અર્થાત્ ગુજરાતમાં જ અમલમાં મૂકવામાં તકલીફ સર્જાઇ છે. આણંદ સ્થિત સહકારી ડેરી અમૂલે આ કાર્યક્રમનો વિરોધ નોંધાવ્યો છે.
ભારતના લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં વિટામિન એ અને ડી ની ખામીને લીધે વર્લ્ડ બૅન્કના પ્રોત્સાહનથી તાતા ટ્રસ્ટ અને એનડીડીબીએ દૂધમાં આ બન્ને તત્ત્વો ઉમેરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને તેની સામે વાંધો લીધો છે અને એનડીડીબીના આ કાર્યક્રમમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે.
અમૂલના એમડીઆરએસ સોઢીએ કહ્યું કે, અમે આ કાર્યક્રમમાં ભાગ નહીં લઇએ. વિટામિનની ખામી દૂર કરવા માટે પ્રાકૃતિક ફોર્ટિફિકેશનના પક્ષમાં અમે છીએ. એનડીડીબીના કાર્યક્રમથી દૂધ ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવી પડે તે વાજબી નથી. અમૂલ સિન્થેટિક અને આર્ટિફિશિયલ ફોર્ટિફિકેશન કરવા ઇચ્છતી નથી.
તેમણે કહ્યું કે, ફોર્ટિફિકેશનથી એવું થઇ શકે કે જેમને જરૂર નથી તેમને પણ વિટામિન મળતાં રહે અને એની અવળી અસર પણ પડી શકે. વળી, દૂધમાં ફોર્ટિફિકેશન કરવાને લીધે દવા જેવું કામ આપશે. એ કદાચ શરીર માટે ઝેરી પણ સાબિત થઇ શકે છે.
સરકારી આંકડાઓ પ્રમાણે પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં વિટામિનની ખામી હોવાનું જોવા મળે છે. એ ઉપરાંત આયર્ન, ફોલિક એસિડ, વિટામીન બી 12, વિટામીન ડી ગ્રામ્ય વિસ્તારોનાં બાળકોમાં બહુ ઓછા પ્રમાણમાં હોય છે.
કર્ણાટક સ્ટેટ કો ઓપરેટિવ મિલ્ક પ્રોડયુસર ફેડરેશન દ્વારા તાજેતરમાં વિટામિન એ અને ડી ફોર્ટિફાઇડ દૂધ વેચવાનું શરૂ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓરિસા જેવાં રાજ્યોમાં પણ અમલ થઇ રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer