રાજકોટના ઉદ્યોગો જન્માષ્ટમીનું એક અઠવાડિયાનું વૅકેશન પાળશે

28 અૉગસ્ટ સુધી મોટાંભાગના કારખાનાં બંધ : માર્કેટ યાર્ડોમાં ગુરુવારથી છ દિવસની રજા

રાજકોટ, તા. 20 અૉગ.
અૉટોમોબાઇલ ક્ષેત્રમાં ભારેખમ મંદી અને તેના કારણે સંલગ્ન ઉદ્યોગોમાં મંદ પડી ચૂકેલા કામકાજોને લીધે સૌપ્રથમ વખત શાપર, આજી તથા મેટોડાના કેટલાક યુનિટોએ જન્માષ્ટમીનું એક અઠવાડિયાનું વૅકેશન જાહેર કરી દીધું છે ! સામાન્ય વર્ષોમાં ત્રણથી ચાર દિવસની રજા રહેતી હોય છે પણ આ વર્ષે મંદીને લીધે ઉદ્યોગકારોએ `કોસ્ટ કટિંગ' માટે આ નવો રસ્તો અપનાવ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોએ પણ ગુરુવારથી છ દિવસની રજાની જાહેરાત કરી છે.
સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવે છે. કોઇપણ ઉદ્યોગ-ધંધા કે બજારોમાં ચારથી પાંચ દિવસની રજા રાખવાનો વર્ષોથી રિવાજ છે. ઉદ્યોગો ય ચારેક દિવસ બંધ રાખતા હોય છે પણ આ વર્ષે મંદીની અસરથી વૅકેશન થોડું લંબાવાયું છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિયેશનના પ્રમુખ કિશોર ટીલાળા કહે છે, અમારી વસાહતમાં ત્રણ હજાર કરતા વધારે નાના મોટા કારખાનાઓ છે. બધે જ મંદીની વધતી ઓછી અસર થઇ છે. ઓર્ડરો ઓછાં છે એ કારણે આગામી બુધવાર તા.21થી 28 સુધીનું એક અઠવાડિયાનું સત્તાવાર વૅકેશન જાહેર કર્યું છે.
અૉટોમોબાઇલ ક્ષેત્રમાં અતિશય મંદી છે એટલે ઉદ્યોગકારો પાસે ઓર્ડરો ઘટી ગયા છે. સૌરાષ્ટ્રમાં અૉટોપાર્ટ અને હાર્ડવેરના યુનિટો વધારે છે એટલે વ્યાપક અસર પહોંચી છે. અમુક એકમોએ ત્રણની બદલે બે શિફ્ટ કરી નાંખી છે. તો કેટલાક યુનિટોએ ઓવરટાઇમ બંધ કરી દીધો છે. અમુક યુનિટો પાસે કામકાજ ઘટી જતા અઠવાડિયામાં બે રજા આપવામાં આવી રહી હોવાનું એક ફોર્જિગ ઉત્પાદકે કહ્યું હતું.
આજી જીઆઇડીસીમાં અૉટો પાર્ટનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. ત્યાં ય અત્યારે કામકાજો ઘટી જતા અઠવાડિયાનું વૅકેશન જાહેર કરવાનું નક્કી થઇ રહ્યું છે, એમ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલે કહ્યું હતું. જોકે, કેટલાક યુનિટો કે જેમની પાસે નિકાસ ઓર્ડરો હશે તે સોમવારે કે મંગળવારથી કામકાજ શરૂ કરી દેશે.
મેટોડા જીઆઇડીસીના સૂત્રોનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, અમારે ત્યાં બધા સગવડ પ્રમાણે ત્રણથી ચાર દિવસનું વૅકેશન પાળવાના છે. અમુક યુનિટો પાસે ઓર્ડર ન હોય તો અઠવાડિયાનો બંધ રાખી પણ શકે છે. 
સૌરાષ્ટ્રની મુખ્ય બજારોમાં પણ તા. 22થી 27 સુધી રજાઓ પાળવામાં આવનાર છે. વિવિધ માર્કેટિંગ યાર્ડોએ તા. 22થી 27 સુધીની રજા જાહેર કરી દીધી છે. રાજકોટ અને ગોંડલ યાર્ડ આ દિવસોમાં બંધ પાળશે. અન્ય કેટલાક યાર્ડો મંગળવારે ખૂલશે. પરંતુ હવે તા.28ના બુધવાર પહેલા કામકાજો રાબેતા પ્રમાણે થાય તેમ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer