સોનું વધીને ફરી $ 1500ની ઉપર

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 20 અૉગ.
સોનાના ભાવમાં આવેલો ઘટાડો કામચલાઉ નીવડયો છે. ન્યૂ યોર્કમાં 1500 ડૉલરની ઉપર જવામાં સોનાને સફળતા મળી હતી. મંગળવારે ડૉલરની નરમાઇ અને ફેડની વ્યાજદરની નીતિની રાહે લેવાલી નીકળતા ન્યૂ યોર્કમાં 1505 ડૉલરના ભાવ રનિંગ હતા. અમેરિકાના વિકાસને લઇને હજુ ચિંતાના વાદળો ઘેરાયેલા છે એટલે સોનું નીચે આવતું નથી. કર્સ્ટન મેનાકેના વિષ્લેષક જુલિયસ બેર કહે છે, છેલ્લાં ત્રણેક સેશનમાં ઘટેલા ભાવ નફારૂપી વેચવાલીના પ્રતિકરૂપે હતા. જોકે, મંગળવારે સોનાના ભાવમાં આવેલો સુધારો મક્કમ તેજીનો સંકેત છે. ફંડામેન્ટલ કારણો સોનાને ટેકો આપી રહ્યા છે. ટ્રેડવોર, મંદી અને વ્યાજદર આ ત્રણેય કારણ સોનાની બજાર માટે મહત્ત્વના છે. વિશ્વના મોટાં અર્થતંત્રો દ્વારા મંદીને ખાળવા માટે ઉદ્દીપક પેકેજોની જાહેરાત કરવામાં આવશે એ સમાચાર પણ સોનાને સુધારા માટે બળ આપી રહ્યા છે.
2019માં સોનાના ભાવમાં 17 ટકાની તેજી આવી ગઇ છે. ચાલુ મહિનામાં 80 ડૉલર વધી ગયા છે. આવતીકાલે ફેડની જુલાઇ મહિનાની બેઠકની મિનિટસની જાહેરાત થવાની છે. એ પછી સપ્તાહના અંતે ગ્રુપ સેવન દેશોની સમિટમાં ફેડનું નિવેદન આવવાનું છે. સોનું 1490થી 1530 ડૉલરની રેન્જમાં અથડાય જવાની ધારણા છે. ચાંદી 16.97 ડૉલર રહેશે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 50ના ઘટાડામાં રૂા. 37,200 અને મુંબઈમાં રૂા. 223 વધીને રૂા. 37,833 હતું. રાજકોટમાં ચાંદી એક કિલોએ રૂા. 42,500 સ્થિર હતી જ્યારે મુંબઈમાં રૂા. 350ના સુધારા સાથે રૂા. 43,695 હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer