મુખ્ય પ્રધાનોની બેઠકમાં ચર્ચામાં

તેલીબિયાં ઉગાડવા જીએમ ટેકનૉલૉજી માટે સહમતી સાધવાનો પ્રયાસ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 અૉગ.
નીતિ આયોગ દ્વારા દેશના કૃષિ ક્ષેત્રે પરિવર્તન માટે રચાયેલી હાઈ પાવર્ડ કમિટી અૉફ ચીફ મિનિસ્ટર્સની બીજી બેઠકમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે જેનેટિકલી મોડિફાઈડ (જીએમ) ટેકનૉલૉજીના ઉપયોગના મુદ્દે સહમતી સાધવાનો પ્રયાસ કરાયો હતો. 
અગાઉ યુપીએ સરકારે રીંગણની ખેતીમાં જીએમ ટેકનૉલૉજીના વપરાશ બાબતે પ્રચંડ વિરોધ ફાટી નીકળતાં જીએમ ટેકનૉલૉજીના ઉપયોગ ઉપર અચોક્કસ મુદતનો પ્રતિબંધ લાદ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભારત તેની જરૂરિયાતના 65 ટકા ખાદ્ય તેલનો જથ્થો વિદેશથી આયાત કરી રહ્યું છે, ત્યારે ખાદ્ય તેલીબિયાંના ઉત્પાદન માટે જીએમ ટેકનૉલૉજી વાપરવી જોઈએ કે નહીં, એ મુદ્દો બેઠકમાં ચર્ચાયો હતો.
ભારત દર વર્ષે આશરે 1.4 કરોડ ટન ખાદ્ય તેલ આયાત કરે છે, જેમાં ઈન્ડોનેશિયા અને મલયેશિયાથી કરાતી આયાત 90 લાખ ટન હોય છે. બેઠકમાં વધુ ઊપજ આપતાં તેલીબિયાંના ઉત્પાદન માટે જીએમ ટેકનૉલૉજી વાપરવી જોઈએ એવો મત વ્યક્ત કરાયો હતો, જેથી ઊપજ હજુ વધારી શકાય. તમામ રાજ્ય સરકારો સમક્ષ આ મુદ્દો તેમના અભિપ્રાયો જાણવા માટે રજૂ કરાયો છે.
બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે ઈ-નામ હેઠળ બધી પેદાશોને આવરી લેવાને બદલે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેટલીક ખાસ કૃષિ પેદાશોને જ આવરી લેવી જોઈએ. નાના ખેડૂતો પોતાની રીતે અથવા કમિશન એજન્ટ મારફતે ઈ-નામ હેઠળ પોતાનું ઉત્પાદન વેચી શકે તે માટે પોર્ટલમાં વિકલ્પ હોવો જરૂરી છે. 
ડેરી ઉદ્યોગમાં મુક્ત વ્યાપાર સમજૂતી દ્વારા દૂધની આયાતથી ખેડૂતો-પશુપાલકો ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે, એમ પણ રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે સૂચવ્યું હતું કે તેલીબિયાંના પાકોની ટેકાના ભાવે ખરીદી કર્યાં પછી એનડીડીબી અને નાફેડ જેવી સંસ્થાઓ દ્વારા તેના પ્રોસેસિંગ, તેલના પેકિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગની વ્યવસ્થા પણ સ્થાપવી જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer