લણણી પછીનું નુકસાન ટેકનૉલૉજી અટકાવશે

કૃષિ ટેકનૉલૉજી પાછળ 2018નાં કુલ રોકાણ કરતાં 2019ના છ મહિનામાં 300 ગણું વધુ રોકાણ થયું છે

નવી દિલ્હી, તા. 20 અૉગ.
ખેતરમાંથી પાક ઉતાર્યા બાદ ગોદામ કે બજાર સુધી લઈ જવામાં ખેડૂતોને વર્ષે રૂા. 93,000 કરોડનું નુકસાન થાય છે. આ નુકસાન અટકાવવા માટે એગ્રિટેક ક્ષેત્રના સ્ટાર્ટ-અપ્સ મેદાને ઉતર્યા છે. માગ આધારિત કોલ્ડ ચેઈન્સ, વેરહાઉસ મોનિટરિંગ સોલ્યુશન્સ અને બજાર સાથે સાંકળતી કડીઓ દ્વારા આ સમસ્યા દૂર કરીને એગ્રિટેક સ્ટાર્ટ-અપ્સ ખેડૂતોની આવક વધારવા માગે છે.
ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી ઉદ્યોગની સંસ્થા નાસ્કોમ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ એગ્રિટેક ઉદ્યોગની 50 ટકા કરતાં વધુ કંપનીઓનું લક્ષ સપ્લાય ચેઇનને વધુ કાર્યક્ષમ બનાવવાનું છે. 2018માં સમગ્ર વર્ષ માટે આ લક્ષ પાછળ જેટલું રોકાણ કરાયું છે, તેનાથી 300 ગણુ વધુ રોકાણ 2019ના પહેલાં છ મહિનામાં કરાયું છે.
નાસ્કોમના અહેવાલ - ``એગ્રિટેક ઈન ઇન્ડિયા : ઈમર્જિંગ ટ્રેન્ડ્સ ઈન 2019''માં જણાવાયું છે કે એગ્રિકલ્ચર ટેકનૉલૉજી ક્ષેત્રે વિશ્વમાં 3100 સ્ટાર્ટ અપ્સ છે, જેમાંથી 450થી વધુ સ્ટાર્ટ અપ્સ ભારતમાં છે. ભારતમાં વાર્ષિક વૃદ્ધિ દર 25 ટકા છે. આ સ્ટાર્ટ અપ્સને 2013-14માં જે ભંડોળ મળતું હતું તેનાથી 2017-18માં 10 ગણુ વધુ ભંડોળ મળ્યું છે. આ જ ગાળામાં વિશ્વનાં અન્ય સ્ટાર્ટ અપ્સને મળતા ભંડોળમાં ફક્ત બે ગણો વધારો થયો છે. છેલ્લા 18 મહિનામાં કૃષિ ક્ષેત્રે નવીન ટેકનૉલૉજીને લક્ષમાં રાખીને ખેડૂત સાથે સીધા સંકળાયેલા બીટુબી સ્ટાર્ટ અપ્સ માટે 20 કરોડ ડૉલરથી વધુ ભંડોળ આવવાને પગલે કંપનીઓ અને રોકાણકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.
ઉત્પાદન વ્યર્થ જાય છે
સરકારના આંકડા મુજબ લણણી પછી થતા નુકસાનમાં ફળો અને શાકભાજી ક્ષેત્ર સૌથી મોખરે છે. તેમાં કુલ ઉપજના 16 ટકા ઉત્પાદનનો વેડફાટ થાય છે. એગ્રિટેક ઉદ્યોગ માટે આ સૌથી મોટો પડકાર છે. સ્ટાર્ટ અપ્સ નિન્જાકાર્ટ અને ક્રોફાર્મ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા બજારનું સીધું જોડાણ ઊભું કરીને આ સમસ્યા નિવારવા માગે છે.
આને પગલે ખેતરમાંથી સીધું થાળીમાં (ફાર્મ ટુ ફોર્ક) જેવા અભિગમ કે ખેતરોમાંથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને કાફેમાં ઉત્પાદનોની સીધી ડિલિવરી થાય તે પ્રકારની વ્યવસ્થાને ટેકો મળશે. અન્ય સંશોધનોમાં ક્વોલિટી ગ્રેડિંગ માટે ઈમેજ સેન્સિંગ, ઈન્ટરનેટ અૉફ થિંગ્સ આધારિત સ્ટોરેજ મોનિટરિંગ તેમ જ મંડીઓ અને ફાર્મર પ્રોડયુસર ર્ગેનાઈઝેશન્સનું ડિજિટાઈઝેશન સામેલ છે.
ટેકનૉલૉજી દ્વારા ઉકેલો
કેટલાંક સ્ટાર્ટ અપ્સ પાકની ઉત્પાદકતા વધારવા તેમ જ જમીનનું વ્યવસ્થાપન સુધારવા, પાકની સાયકલ ઉપર દેખરેખ રાખવા અને ઉત્પાદનની ટ્રેસિબિલિટી માટે વિશાળ ડેટાના એનાલિસિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરીને ટેકનૉલૉજી સોલ્યુશન્સ ઓફર કરે છે. કેટલાંક સ્ટાર્ટ અપ્સ ખેડૂતોની ધિરાણની સમસ્યાઓ ઉકેલવા, ખેડૂતોને કૃષિ સાધનો માટે ઓછા ખર્ચે સમયસર ધિરાણ મળી રહે તે માટે તેમ જ વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ્સ દ્વારા ઓછા ખર્ચે ડિજિટલ લોન મળી રહે તે માટે કાર્યરત છે.
નાસ્કોમના પ્રેસિડેન્ટ દેબજાની ઘોષે કહ્યું કે દેશમાં કૃષિ ક્ષેત્રે લગાતાર ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે અને નવીનતા લાવવા તેમ જ અત્યંત જરૂરી ક્ષેત્રોમાં પરિવર્તનો લાવવા બાબતે સ્ટાર્ટ અપ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. કૃષિ ક્ષેત્રે ટેકનૉલૉજીનો ઉપયોગ વ્યવસ્થિત સંસ્થાકીય ધ્યાન માગી રહ્યો હતો અને ટેકનૉલૉજી કંપનીઓ નવા બિઝનેસ મોડેલ્સ દ્વારા કૃષિ ઉદ્યોગને નવા ક્ષિતિજોએ પહોંચાડવા પ્રયાસરત છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer