તમામ કંપનીઓ માટે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને 25 ટકા કરવાની ભલામણ

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 20 અૉગ.
તમામ કંપનીઓ માટે કૉર્પોરેટ ટૅક્સ દર વર્તમાન 30 ટકાથી ઘટાડી 25 ટકા કરવાની અને વેરાચુકવણી પરનો સરચાર્જ નાબૂદ કરવાની ભલામણ સરકારી પેનલે કરી છે. છ દાયકા જૂના વેરાધારામાં ધરમૂળથી ફેરફાર કરવાની ભલામણ આ સાથે કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.
વિશ્વમાં સૌથી ઊંચા કૉર્પોરેટ કર દર ધરાવતા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે આથી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ વર્ષે રજૂ કરેલા બજેટમાં રૂા. 400 કરોડ સુધીનું વાર્ષિક વેચાણ ધરાવતી કંપનીઓ પરનો કૉર્પોરેટ ટૅક્સ 30 ટકાથી ઘટાડી 25 ટકા કર્યો હતો.
જો કરપાત્ર આવક રૂા. 10 કરોડથી વધી જાય તો સ્થાનિક કંપનીઓ પર 12 ટકા સરચાર્જ અને વિદેશી કંપનીઓ પર પાંચ ટકા સરચાર્જ લાદવામાં આવ્યો હતો. આ પેનલની સ્થાપના 2017માં થઈ હતી. તેનો હેતુ અન્ય રાષ્ટ્રોની તુલનામાં ભારતીય વેરાધારામાં સુધારણા કરવાનો અને દેશની જરૂરિયાત પ્રમાણે ઉત્તમ પ્રણાલી સ્થાપિત કરવાનો હતો.
આ ભલામણો પર નિર્ણય લેતાં પૂર્વે નાણામંત્રાલય તેનો અભ્યાસ કરશે પછી 2020-21ની બજેટ દરખાસ્તોમાં તેને સમાવી લેવાય એવી શક્યતા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer