એસબીઆઈએ કાર, પર્સનલ અને એજ્યુકેશન લોન ઉપર અનેક રાહતો જાહેર કરી

મુંબઈ, તા. 20 અૉગ.
દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈ રિટેલ ગ્રાહકો માટે વિવિધ કેટેગરી : અૉટો/કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન અને હોમ લોનમાં સ્પેશિયલ ઓફર રજૂ કરી છે. એસબીઆઈએ તહેવારની સિઝનમાં કાર લોન ઉપર પ્રોસેસિંગ ફીને માફ કરી છે. વધુમાં, જે ગ્રાહક કાર લોન લેશે તેને સૌથી ઓછો વ્યાજદર 8.70 ટકાથી લાગુ થશે, જેના વ્યાજદરમાં વધારો પણ થશે નહીં. 
જે ગ્રાહકો એસબીઆઈના ડિજિટલ પ્લેટફોર્મ યોનો/તેની વેબસાઈટમાં લોન માટે અરજી કરશે તો બૅન્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સનું કન્સેશન આપશે. ઉપરાંત નોકરિયાત વ્યક્તિને કારના મૂલ્યની 90 ટકા જેટલી લોન મળશે. 
પર્સનલ લોનમાં એસબીઆઈ રૂા.20 લાખ સુધીની લોન ઉપર 10.75 ટકાનું વ્યાજ અને પુન:ચુકવણી માટે છ વર્ષ સુધીની મુદત મળશે. સેલેરી ખાતું ધરાવતા ગ્રાહકને યોનો પ્લેટફોર્મ દ્વારા રૂા.5 લાખ સુધીની પ્રી-અપ્રુવ્ડ લોન આપશે. 
એસબીઆઈ વિદ્યાર્થીઓને ભારતમાં ભણવું હોય તો રૂા.50 લાખ સુધીની એજ્યુકેશન લોન અને વિદેશ ભણવા માટે રૂા.1.50 કરોડની લોન આપશે, જેની ચુકવણી 15 વર્ષે કરવાની રહેશે. તાજેતરમાં જ એસબીઆઈએ એમસીએલઆર દરમાં 15 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો, જેથી એપ્રિલ 2019થી નવા હોમ લોનનો એકંદર વ્યાજદર 35 બેસિસ પોઈન્ટ્સ ઘટયો હતો. 
એસબીઆઈ 8.05 ટકાના વ્યાજદર સાથે `સૌથી સસ્તી લોન'નો દાવો કરે છે. આ નવા દર પહેલી સપ્ટેમ્બરથી દરેક નવી અને વર્તમાન લોનમાં લાગુ પડે છે. ઓટોમોબાઈલ ક્ષેત્રની મંદીને ધ્યાનમાં લેતાં આ ક્ષેત્રના ડીલર્સ માટે એસબીઆઈએ લોનની પુન:ચુકવણીનો સમય પણ 15થી વધારીને 30 દિવસનો કર્યો છે. વેચાણ ઘટતાં ઓટોમોબાઈલ ડીલર્સને લોનની ચુકવણી કરવામાં મુશ્કેલી નડી રહી છે. જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 31 ટકા ઘટયું હતું, જે છેલ્લાં 19 વર્ષમાં સૌથી ઓછું વેચાણ છે. 
ઓટો ડીલર્સમાં એસબીઆઈનું એક્સપોઝર રૂા.11,500 કરોડનું છે. સામાન્ય રીતે પુન:ચુકવણીનો સમય 60 દિવસનો હોય છે. આથી અમે અમુક ડીલર્સ માટે સમય વધારીને 75થી 90 દિવસનો કર્યો છે, એમ એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર પી કે ગુપ્તાએ કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer