વરસાદ સામાન્યથી બે ટકા વધુ, વાવેતરમાં વેગ

નવી દિલ્હી, તા. 20 અૉગ.
ચોમાસાએ વેગ પકડતા દેશમાં એકંદર વરસાદ સામાન્ય કરતાં બે ટકા વધુ રહ્યો છે. 18 અૉગસ્ટ સુધીમાં દેશમાં કુલ 36 સબડિવિઝન પૈકી 20 સબડિવિઝનમાં સામાન્ય, આઠ સબડિવિઝનમાં અતિરિક્ત અને એકમાં ખૂબ અતિરિક્ત વરસાદ પડયો છે. જોકે, સાત સબડિવિઝનોમાં હજી વરસાદની અછત છે. તેમાં ઉત્તરાખંડ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પ.બંગાળ, મરાઠવાડા અને રાયલસીમાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 612.1 મિલિમીટરની લાંબાગાળાની સરેરાશ સામે 626. મિલિમીટર વરસાદ થયો છે. આગામી દિવસોમાં પૂર્વ અને મધ્ય ભારતમાં વધુ વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
સારો વરસાદ થવાથી ખરીફ પાકના ખાસ કરીને તેલીબિયાં અને જાડાં ધાન્યોના વાવેતરમાં વધારો થયો હતો, પરંતુ હજી એકંદર વાવેતર ગયા વર્ષથી ઓછું છે. 16 અૉગસ્ટ સુધીમાં કુલ વાવેતર વિસ્તાર 926 લાખ હેક્ટર થયો હતો જે એક વર્ષ અગાઉ 966 લાખ હેક્ટર હતો. કઠોળનું કુલ વાવેતર 120.94 લાખ હેક્ટર થયું છે, જે ગયે વર્ષે 125.34 લાખ હેક્ટર હતું. તેલીબિયામાં સોયાબીનનું વાવેતર ગત વર્ષના 110.95 લાખ હેક્ટરથી વધીને 111.47 લાખ હેક્ટર થયું છે, જ્યારે મગફળીનું વાવેતર ગયા વર્ષના 36.16 લાખ હેક્ટરથી 3.23 ટકા ઓછું, 35 લાખ હેક્ટર થયું છે. જોકે, વાવેતરમાં સૌથી મોટી ખાધ ચોખામાં જણાઈ છે. ચોખાનું વાવેતર ગત વર્ષના 338.43 લાખ હેક્ટરની સામે આ વર્ષે 301.4 લાખ હેક્ટર થયું છે. શેરડીનું વાવેતર 52.30 (55.45) લાખ હેક્ટર અને કપાસનું 121.58 (115.17) લાખ હેક્ટર પર પહોંચ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer