ટ્રેડ વૉરમાં સમાધાન નહીં થાય તો રૂપિયો 72નું સ્તર પાર કરી જશે

ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 20 અૉગ. :
જો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ઝઘડાનું વર્ષાંત સુધીમાં સમાધાન નહિ થાય તો ડોલર સામે રૂપિયો 72નો સ્તર વટાવી જશે, પણ ટૂંકા ગાળામાં 70.50 અને 71.50 વચ્ચે અથડાયા કરશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ, બ્રેક્ઝિટની અનિશ્ચિતતા તેમ જ વૈશ્વિક કરન્સીઓની ઊથલપાથલ અને ક્રૂડ ઓઇલના ભાવ જેવાં વિદેશી કારણો રૂપિયાની સ્થિતિ વધુ ખરાબ કરશે. ચીન સાથેના આપણા વેપારને લીધે યેનમાં થતી વધઘટનાં આંચકા રૂપિયાને પણ સહન કરવાના રહેશે. ગત સપ્તાહે વેપાર ઝઘડામાં નાટ્યાત્મક વળાંક આવતાં ડોલર સામે ચીની ચલણ યુઆન અસામાન્ય નબળો પડી ગયો હતો.  
રૂપિયાની નબળાઈનાં અન્ય કારણોમાં ચીન પર વધારાની આયાત જકાત, ઉંધેકાંધ પડેલો આર્જેન્ટીનું ચલણ પેસો અને ભારતની બજારમાંથી છેલ્લા નવ મહિનામાં ધરખમ નાણાપ્રવાહ વિદેશમાં પાછા ફરી જવાની બાબતોનો સમાવેશ થાય છે. અર્થતંત્રમાં રાહત પેકેજ આપવાનો આશાવાદ પણ અન્ય એક શક્ય કારણ છે. આગામી 10 દિવસમાં સરકાર નિરાશાજનક, પણ મહત્ત્વના ડેટા રજૂ કરી શકે. આગામી 30 ઓગસ્ટે સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકસ ઓફિસ અર્થતંત્રની તબિયત કેવી છે, તેની જાણ કરતા જૂન ત્રિમાસિકના જીડીપીના નવા આંકડા રજૂ કરશે, જે માર્ચ ત્રિમાસિકનાં પાંચ વર્ષ કરતાં નીચા 5.8 ટકા કરતાં વધુ ઘટાડીને 5.4 કે 5.6 ટકા રજૂ કરે તેવી સંભાવના છે. 
રિઝર્વ બૅન્કે વિકાસના નવા આંકડા રજૂ કર્યા પછી ઓટોમોબાઈલ વેચાણમાં સતત ઘટાડો અને હવે ઓગસ્ટમાં સૌથી નબળી એશિયન કરન્સી તરીકે રૂપિયાના સમાચાર આવ્યા છે. સોમવારે રૂપિયો છ મહિનાના તળિયે રૂા. 71.43 મુકાયો હતો. બેન્ચમાર્ક 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ ઘટીને 6.58 ટકા રહ્યું હતું. વર્ષાનું વર્ષ રૂપિયો 1.83 ટકા નબળો પડયો છે, પણ ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 3.5 ટકા ગબડ્યાનો માસિક ઈતિહાસ ચાર વર્ષમાં આ બીજી વખત નોંધાયો છે. નબળો રૂપિયો એ કંઈ દરેક માટે ખરાબ સમાચાર નથી. સોનાના રોકાણકારો અને ગુડ્સ અને સર્વિસ ક્ષેત્રના નિકાસકારો માટે ઊંચા વળતર સાથે આ સારા સમાચાર છે. જો છેલ્લાં 20 વર્ષનો સોનાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ જોઈએ તો તે 9 ટકા છે જ્યારે ભારતીય રોકાણકારોને આ વળતર 12 ટકા મળ્યું છે.  
ગોલ્ડમેન સાસએ તેના સાપ્તાહિક વરતારામાં અમેરિકન ઈકોનોમી ગ્રોથ રેટમાં કાપ મૂકીને ચેતવણી ઉચ્ચારી હતી કે ઓક્ટોબર 2020માં યોજાનારી અમેરિકન પ્રમુખપદની ચૂંટણી અગાઉ વેપાર વિવાદનો ઉકેલ આવવાની સંભાવના સાવ ઓછી થઇ ગઈ છે, જે જાગતિક મંદીનું જોખમ વધારવાની ભૂમિકા તૈયાર કરશે. ભારતીય કરન્સી ટ્રેડરો કહે છે કે ઈકોનોમી અને કરન્સીમાં નબળાઈ કેમ આવી રહી છે? તેના વાસ્તવિક કારણો શોધવામાં સરકારને હજુ સફળતા મળી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer