અમરેલી યાર્ડમાં નવો કપાસ પ્રતિ મણે રૂા.1952માં વેચાયો !

અમરેલી યાર્ડમાં નવો કપાસ પ્રતિ મણે રૂા.1952માં વેચાયો !
નવા કપાસની આવક શરૂ થતા જિનરે મુહૂર્તમાં ચૂકવ્યો અણધાર્યો ભાવ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.20 અૉગ.
 સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદની વિષમતાએ વિરોધાભાસી સ્થિતિ રચી છે. એક તરફ કેટલાક ખેડૂતોએ હજુ હાલમાં કપાસની વાવણી પૂરી કરી છે ત્યાં બીજી તરફ અમરેલી પંથકમાં નવો કપાસ ખેતરમાંથી માર્કેટ યાર્ડમાં આવી ગયો હતો!  અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ પ્રથમ વખત આવતા મુહૂર્ત માટે મણના રૂા. 1952ના ટોચના ભાવથી સિઝન શરૂ કરાઇ હતી. એક જિનરે અણધાર્યો ભાવ ચૂકવ્યો હતો.
ગુજરાતના ખેતીવાડી ખાતાના આંકડાઓ પ્રમાણે આશરે 26 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. પાછલા વર્ષ કરતા સામાન્ય ઓછું પણ સરેરાશ કરતા વધારે વાવેતર ગુજરાતમાં થયું છે. પાકની સ્થિતિ પણ નિયમિત વરસાદને લીધે સારી છે.
દરમિયાન અમરેલી પંથકમાં નવો કપાસ તૈયાર થતા જિલ્લાના ધારાગણી ગામના ખેડૂત કનુભાઇ ગજેરાનો 111 કિલો કપાસ આવી પડતા રૂા. 1952માં ઊમિયા ટ્રેડિંગ દ્વારા સોમવારે સારાં દિવસના મુહૂર્તમાં ખરીદી કરાઇ હતી. 
આ સોદાના કમિશન એજન્ટ દુધાત ટ્રેડર્સના હિંમતભાઇ કહે છે, ચાર જિનરો મુહૂર્ત કરવા માટે હરાજીમાં હતા. જોકે, કપાસનો જથ્થો ઓછો હતો એટલે ઘણો ઊંચો ભાવ ખેડૂતને મળ્યો હતો. 
પાછલા વર્ષે રૂા. 1651માં આ રીતે સોદો થયો હતો. આ ખેડૂતે મે મહિનામાં વાવણ કરી લીધી હતી એટલે થોડો કપાસ તૈયાર થઇ ગયો હતો. જોકે, સૌરાષ્ટ્રમાં આ રીતે ઓરવીને ઘણા ખેડૂતોએ કપાસ વાવ્યો હતો જે હવે યાર્ડોમાં જન્માષ્ટમી પછી દેખાવા લાગશે.
જૂના કપાસનો ભાવ સૌરાષ્ટ્રના ગામડાંઓમાં રૂા. 1200 જેટલો બોલાય છે. એની તુલનાએ નવા કપાસમાં ભેજ ખૂબ હોવા છતાં સારાં મુહૂર્તને લીધે ઊંચા ભાવે કામકાજ કરાયા હતા. નવી આવક થશે ત્યારે ભાવ રૂા. 1200-1250 વચ્ચે ખૂલે તેવી ધારણા છે.
સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદનું જોર રહે છે. વરાપના અભાવે કપાસનો ફાલ ઝડપથી તૈયાર થતો નથી. 
આઠેક દિવસ તાપ પડે તો ફટાફટ કપાસ તૈયાર થવા લાગશે અને બજારમાં આવકો પણ વધશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer