મંદી સામે ઝઝૂમતા લઘુ ઉદ્યોગોને બૅન્ક લોનના હપ્તામાં રાહત મળશે

મંદી સામે ઝઝૂમતા લઘુ ઉદ્યોગોને બૅન્ક લોનના હપ્તામાં રાહત મળશે
બૅન્ક અૉફ બરોડાની માંદા એકમોની લોન રિસ્ટ્રક્ચર કરવાની તજવીજ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 20 અૉગ.
વૈશ્વિક મંદીની અસર દેશના લઘુ ઉદ્યોગો ઉપર ઘેરી રહી છે. લઘુઉદ્યોગો પાછલા કેટલાક સમયથી નાણાભીડ અનુભવે છે. આવા ઉદ્યોગોને બેઠા કરવા માટે બૅન્કોનું હકારાત્મક વલણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીયકૃત બૅન્કો દ્વારા ગ્રાહકની સેવામાં સુધારો લાવવાના હેતુથી શાખા સ્તરે કાર્યક્રમ હાથ ધરાયો છે. જેમાં સુરતમાં બે દિવસ દરમ્યાન સુરત અને તાપી જિલ્લાની બેન્ક ઓફ બરોડાના શાખાના મેનેજરોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં માંદા એકમોની લોનને રીસ્ટ્રક્ચર કરવાની તજવીજ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. 
બેન્ક ઓફ બરોડાના કૃષિ અને નાણાંના જનરલ મેનેજર ચીફ કો-ઓર્ડિનેટર બી આર પટેલે કહ્યું હતું કે, દેશના અર્થતંત્રમાં બેન્કિંગ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવી લોકો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમામ સ્તરે સૂચનો મગાવવામાં આવ્યાં છે. બીઓબીએ બેન્કના અધિકારીઓ સાથે મનોમંથન કરીને ખાસ અહેવાલ તૈયાર કર્યો છે. જેને આગામી દિવસોમાં રાજ્યકક્ષાની બેઠકમાં રજૂ કરવામાં આવશે. 
બીઓબીના ડેપ્યુટી જનરલ મેનેજર કે કે સિંહે જણાવ્યું હતું કે, લઘુઉદ્યોગોને ધિરાણને લઈને સમસ્યાઓ નડી રહી છે. અમારી પાસે આ મુદ્દે વ્યાપક સૂચનો આવ્યાં છે. હંગામી ધોરણે તેનું નિરાકરણ લાવવા માટે અમારી  બૅન્કમાં જીએસટી નોંધણી  ધરાવતા ઔદ્યોગિક એકમોની લોનને એક વર્ષ માટે રીસ્ટ્રક્ચર કરવામાં આવશે. જેથી માંદા લઘુ એકમોને બેઠા થવામાં સમય મળી રહેશે. 
બીઓબી દ્વારા લોનના હપ્તામાં એક વર્ષની રાહતના સમાચારથી લઘુ ઉદ્યોગોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં હીરા, બાંધકામ અને કાપડઉદ્યોગો ક્ષેત્રે સંકળાયેલી અનેક નાના-મોટા એકમોનું જીએસટી રજિસ્ટ્રેશન બીઓબીમાં થયેલું હોવાથી સુરતના લઘુ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. લઘુએકમોને જે પ્રકારે લોનના હપ્તામાં રાહતનો નિર્ણય કરાયો છે ત્યારથી હોમલોનમાં પણ આ પ્રકારની રાહત મળવી જોઈએ તેવી માગ સામાન્ય બેન્કધારકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer