નાના જ્વેલર્સ માટે સો ગ્રામ સોનાની ખરીદી સુવિધા ડીઆઈએલ ઊભી કરશે

નાના જ્વેલર્સ માટે સો ગ્રામ સોનાની ખરીદી સુવિધા ડીઆઈએલ ઊભી કરશે
નિકાસ માટેના સોના પર આઈજીએસટી દૂર કરાવવાના પ્રયાસો: ડીઆઈએલ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 20 અૉગ.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના પ્રયાસના ભાગરૂપે ડાયમંડ ઈન્ડિયા લિમિટેડે શહેરના નાના જ્વેલર્સ માટે સો ગ્રામ સોનું ખરીદી કરવાની સુવિધા ઉભી કરવા તૈયારી દર્શાવી છે. નાના ઝવેરીઓ આ રીતે સરળતાથી સોનું ખરીદીને દાગીનાની નિકાસ કરી શકશે. અગાઉ શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ચોક બજાર શાખા દ્વારા નાના જ્વેલર્સ માટે સોનું ખરીદવાની સુવિધા ઊભી કરાઈ હતી. જો કે હાલ આ સુવિધા બંધ છે. જેથી નાના જ્વેલર્સને મુંબઈના મોટા બુલિયન ડીલરો પર આધાર રાખવો પડે છે. 
જીજેઈપીસી સુરત દ્વારા ડીઆઈએલ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સુરત સાથે રાજ્યભરનાં શહેરોનાં ઝવેરીઓને નિકાસ સોનાની ઉપલબ્ધતા વિશે ચર્ચા કરવામાં આવી હતી. લઘુ એકમોને તેમના નાના ઓર્ડર માટે નિકાસ સોનું પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવા માટે જીજેઈપીસી દ્વારા શરૂ કરાયેલા પ્રયાસના ભાગરૂપે ડીઆઈએલ સાથે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા શરૂ કરાઈ હતી. આજે ડીઆઈએલ દ્વારા સત્તાવાર રૂપે નિકાસ સોનું ઉપલબ્ધ કરાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે તેમ જીજેઈપીસીના રિજીઓનલ ચૅરમૅન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું.  
ડીઆઈએલ દ્વારા તૈયારી દાખવતા નાના જ્વેલર્સની સોનાની ખરીદીને લઈને મુશ્કેલીઓ દૂર થશે. 
ડીઆઈએલના મેનેજર સૂર્યા નારાયણ સિંહે બેઠકમાં નિકાસ સોનું ખરીદવા માટેના સમયગાળા, કાર્યવાહી, દસ્તાવેજો, વ્યવસાયિક દરખાસ્ત, થાપણને મુક્ત કરવા, નિકાસ માટે મેળવેલા સોનાનો આંશિક ઉપયોગ વગેરે સહિતનાં વિવિધ પાસાંઓની માહિતી આપી હતી. 
આ સાથે ખાતરી આપી કે તે ઉચ્ચ અધિકારીઓ સાથે નાના શહેરોમાં પણ નિકાસ ગોલ્ડની ઉપલબ્ધતા અંગેના પ્રસ્તાવ પર ચર્ચા કરાશે. હાલમાં નિકાસ સોના પર આઈજીએસટી લાગુ છે તેને દૂર કરાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.
આ મામલે ઝડપથી નિરાકરણ આવે તે દિશામાં રજૂઆતો ચાલુ છે. આઈજીએસટી લાદ્યા વિના જ નિકાસ સોનું આપવા સાથે નિકાસનો લઘુત્તમ ક્વોટા જાળવવાની તૈયારી તેમણે દર્શાવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer