દિવાળીએ સોનાનો ભાવ રૂા.40 હજાર થવાની સંભાવના

દિવાળીએ સોનાનો ભાવ રૂા.40 હજાર થવાની સંભાવના
ઊંચા ભાવને લીધે હાલ માગ નબળી, ક્રેપની આવક વધી 

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ , તા. 20 અૉગ. 
અમેરિકા-ચીન વચ્ચે ચાલતું વ્યાપાર યુદ્ધ , વૈશ્વિક સ્તરે ડૉલરનું તૂટતું મૂલ્ય તથા રૂપિયામાં ડૉલર સામે સતત થઈ રહેલા ઘટાડાને લીધે અમદાવાદમાં સોનાનો ભાવ રૂા.39,000/ વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. જે ગઇકાલે રૂા. 38,900 હતો. ઊંચા ભાવને લીધે ઘરાકી અત્યારે સાવ સ્થગિત થઇ ગઇ છે. શો રૂમો ખાલી ભાસી રહ્યા છે અને લોકો સોનું વેચવા વધારે આવી રહ્યા છે. જોકે, દિવાળીએ માગ વધશે એવી આશા વચ્ચે સોનાનો ભાવ રૂા. 40 હજાર થઇ શકે તેવી આગાહી ઝવેરીઓ કરી રહ્યા છે. 
જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍસોસિયેશનના પ્રમુખ રોહિતભાઈ ચોકસી આ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અંદાજપત્રમાં સોનાની આયાત જકાતમાં કરેલો  2.5%નો વધારો તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ ઔંસદીઠ 1500 ડૉલરની સપાટીએ  પહોંચતા  ઘરઆંગણે તેજી થઇ છે. 
આવી જ સ્થિતિ  રહી તો  દિવાળી સુધીમાં સોનાનો ભાવ રૂા.40,000 કુદાવી આગામી ત્રણ વર્ષ નવી વિક્રમી ટોચે પહાંચે તો પણ નવાઇ નહીં. 
રોહિતભાઈએ ઉમેર્યું હતુ કે, 2007-8 માં 24 કેરેટ સોનાનો ભાવ રૂા. 8000થી 9000 વચ્ચે હતો. 2009-10 માં  
રૂા. 15,500થી 17,000 વચ્ચે હતો અને માત્ર એક વર્ષના ગાળામાં એટલે કે 2011માં રૂા. 26,500 ની ટોચે પહોંચ્યો હતો. 
 સોનાના ભાવમાં થતા સતત વધારાને લીધે ભાવ પહોંચ બહાર ન જતો રહે તેવા ભયથી લોકો ખરીદીમાં ઊંચા ભાવે પણ આગળ વધી રહ્યા છે. એ કારણે ઘરાકી વધી રહી છે. જોકે હાલના ભાવથી ક્રેપ અર્થાત જૂનું સોનું વેચવા આવનારા વર્ગની સંખ્યા વધારે હોય છે.  
ઝવેરીઓ કહે છે, દસમાંથી આઠેક ગ્રાહક ક્રેપ વેચીને રોકડી કરી રહ્યા છે. સોનું સલામત રોકાણ સાધન હોવાથી હાલમાં જાપાન, ચીન, સાઉથ કોરિયા તેમ જ ખાડીના દેશો દ્વારા  મોટા પાયે સોનાની ખરીદી થઇ રહી છે. અમેરિકા દ્વારા ઘટતા વ્યાજદરની નીતિ અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉરને લીધે પણ સોનાની તેજીને આવનારા સમયમાં પણ વેગ મળતો રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer