બૅન્કો હવે ડિપૉઝિટરો પાસેથી સોનાની સીધી ડિપૉઝિટ લઈ શકશે

બૅન્કો હવે ડિપૉઝિટરો પાસેથી સોનાની સીધી ડિપૉઝિટ લઈ શકશે
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ

મુંબઈ, તા. 20 અૉગ.
રિઝવ બૅન્કે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ (જીએમએસ)ના નિયમોને ઉદાર બનાવીને ડિપોઝિટરોને તેમનું સોનું સીધું જ બૅન્કમાં, રિફાઈનર પાસે અથવા સંગ્રહ તથા શુદ્ધતા પરીક્ષણ કેન્દ્રો (સીપીટીસી)માં જમા કરાવવાની છૂટ આપી છે. હાલના નિયમો અનુસાર ડિપોઝિટરોએ તેમનું સોનું સૌ પ્રથમ બ્યૂરો અૉફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ દ્વારા પ્રમાણિત સીપીટીસી પાસે લઈ જવું પડે છે.
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં છેલ્લાં ચાર વર્ષમાં માત્ર 16 ટન સોનું જમા થયું છે. બૅન્કોની આ યોજના પ્રત્યેની ઉદાસીનતા અને સોનાના કલેક્શન હોલમાર્કિંગ કેન્દ્રો સાથે કામ પાડવામાં તેમને નડતી વ્યવહારું મુશ્કેલીઓને આને માટે જવાબદાર ગણાવાય છે. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2015માં કરી હતી. સોનાના સંગ્રહ તથા શુદ્ધતા પરીક્ષણ કેન્દ્રો (સીપીટીસી) ડિપોઝિટરોને તેમણે આણેલા સોનાના વજન અને શુદ્ધતાનું પ્રમાણ પત્ર આપતાં અને તેને આધારે બૅન્કે ડિપોઝિટરના નામનું ખાતું ખોલીને તેમાં સોનું જમા લેવાનું રહેતું. સીપીટીસી ડિપોઝિટરોના સોનાને રિફાઈનરો પાસે મોકલાવતાં રિફાઈનરો સોનાની શુદ્ધતા તપાસીને પ્રમાણપત્ર આપતા અને સોનું ગાળીને પાર તૈયાર કરતાં. બૅન્કો સીપીટીસીની વિશ્વાસપાત્રતા વિશે અવારનવાર શંકા વ્યક્ત કરતી હતી. જીએમએસ માટે તેમની સાથે કામ પાડવાનું બૅન્કોને માફક આવતું ન હતું. અનેક બેઠકોના દોર બાદ સરકારે બૅન્કોની માગણી સ્વીકારી છે. રિઝર્વ બૅન્કે 16 અૉગસ્ટના પરિપત્રમાં કહ્યું છે કે ``આ યોજના હેઠળનું બધું સોનું સીપીટીસીમાં જમા કરાવાશે. જો કે, બૅન્કો પણ તેમની મુનસફી અનુસાર ઠરાવેલી શાખાઓમાં ખાસ કરીને મોટા ડિપોઝિટરો પાસેથી સોનું સ્વીકારી શકશે.''
મંદિરો, અતિધનાઢય વ્યક્તિઓ તેમ જ ફંડ હાઉસો, ટ્રસ્ટો અને સરકારી સંસ્થાઓને પણ સીપીટીસી કરતાં બૅન્કો સાથે સીધું કામ પાડવું વધુ ફાવશે એમ મનાય છે.
નવા નિયમ અનુસાર બૅન્કો ઈચ્છે તો ડિપોઝિટરોને તેમનું સોનું સીધું રિફાઈનરો પાસે જમા કરાવવાની પરવાનગી આપી શકશે. રિફાઈનરો તેની શુદ્ધતા તપાસીને ડિપોઝિટરને 995 ટચ સોનાની ડિપોઝિટની રસીદ આપશે. આ નિયમ મંદિરો માટે અનુકૂળ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer