માલભરાવાથી હીરા ઉદ્યોગના ઝળહળાટમાં ઝાંખપ

માલભરાવાથી હીરા ઉદ્યોગના ઝળહળાટમાં ઝાંખપ
લંડન, તા. 20 અૉગ.
હીરાનું ઉચ્ચ મૂલ્ય ભલે તેની અલ્પતાને લીધે હોય, પણ હીરા ઉદ્યોગ હાલમાં માલ ભરાવાનો સામનો કરી રહ્યો છે. ટોચની બે ખાણ કંપનીઓ અલરોસા અને ડી બિયર્સ પાસે વણવેચાયેલા કાચા હીરાનો મોટો જથ્થો એકઠો થઈ ગયો છે. તેમની પાસેથી કાચા હીરા  ખરીદી, પોલિશ કરીને છૂટક વેપારીઓને વેચનારા હીરાના કારખાનેદારોની પણ એ જ હાલત છે.
માલ ભરાવા છતાં વેપારીઓ, હીરા ઘસવાના કારખાના વાળા તેમ જ બ્રાન્ડેડ ઝવેરાત બનાવનારાઓએ છૂટક ભાવો ઘટવા દીધા નથી.
પરંતુ 17 અબજ ડૉલરના હીરા ઉદ્યોગ સામે પડકારો વધી રહ્યા છે. કાચા હીરાનો માલ ભરાવો અને કારખાનેદારોની નાણાભીડને કારણે ખાણ કંપનીઓનાં સરવૈયાં બગડતાં જાય છે. જુલાઈમાં ડીબિયર્સનું કાચા હીરાનું વેચાણ વાર્ષિક ધોરણે 53 ટકા ઘટી ગયા પછી તેણે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય જાહેર ર્ક્યો. થોડા દિવસ પછી લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ પેટ્રા ડાયમંડ્ઝે બજારની ધારણા કરતાં ઓછી આવક જાહેર કરી અને કહ્યું કે આવતા વર્ષનું ઉત્પાદન વર્ષથી પણ ઓછું હશે.
પોલ ઝીમનિસ્કી નામના નિષ્ણાતના કહેવા મુજબ હીરા ઉદ્યોગ ચોમેરથી ભીંસાઈ રહ્યો છે. ભૌગોલિક-રાજકીય તંગદિલી, વેપાર યુદ્ધ તથા વિશ્વવ્યાપી મંદીના કારણે દુનિયામાં વૈભવી ચીજો પરનો ખર્ચ ઓછો થઈ ગયો છે. કાચા હીરાનો માલ ભરાવો, વિનિયમ દરોની અસ્થિરતા, વેપાર સંઘર્ષ અને શેરબજારોની અફડાતફડીને કારણે બજારમાં અસંતુલન સર્જાયું છે. આ વર્ષે કાચા હીરાના ભાવ 6 ટકા છૂટયા છે, જ્યારે પોલિશ્ડ હીરાના ભાવ માત્ર એક ટકો ઘટયા છે. 2011માં કાચા હીરાના ભાવ આસમાને ગયા ત્યારે ખાણ કંપનીઓએ નવી ખાણો શોધવા અને વિકસાવવામાં જે રોકાણ ર્ક્યું તે ખાણોના કાચા હીરા 2017 અને 2018થી બજારમાં આવવા લાગ્યા છે, પણ બજારની પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે.
ખાણ કંપનીઓના મુખ્ય ઘરાકો એવા હીરાના કારખાનેદારો અને વેપારીઓ નાણાભીડમાં સપડાઈ ગયા છે. ડૂબવા પાત્ર લોનો અને કૌભાંડોથી ભડકેલી બૅન્કોએ આ અટપટા અને રહસ્યભર્યા ઉદ્યોગને ધિરાણ આપવાનું લગભગ બંધ કરી દીધું છે. ગયે અઠવાડિયે નેધરલેન્ડની એબીએન એમ્રો બૅન્કે જાહેર ર્ક્યું છે કે અમે કાચા હીરા ખરીદવા લોન આપવાનું ઓછું કરી નાખીશું કેમ કે એમાં ઝાઝું કમાવાનું નથી.
વેપારીઓ અને કારખાનેદારોના નફા ઘટતા જતા હોવાથી ડી બિયર્સે કહ્યું કે 2019ના પ્રથમ છ માસમાં તેણે ઉત્પાદનમાં 11 ટકાનો કાપ મૂકયો હતો. તેણે ભાવ ઘટાડયા છે અને મોડેથી ખરીદી કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. ખાણ કંપનીઓએ સંશોધન પરનો ખર્ચ ઘટાડી નાખ્યો છે. 2007-08માં તેની આવકના આઠ ટકા હતો તે હાલ બે થઈ ગયો છે.
લેબોરેટરીમાં બનતા કૃત્રિમ હીરાની લોકપ્રિયતા અને ઉત્પાદનમાં થઈ રહેલો વધારો હીરા ઉદ્યોગ માટે ચિંતાનું વધારાનું કારણ છે.
જોકે ડી બિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ બ્રુસ ક્લીવરે કહ્યું હતું કે અમે ધંધામાં આવી ચડતી પડતી અગાઉ પણ જોઈ છે. હીરા માટે ગ્રાહકોની હજી પુષ્કળ માગ છે. મને વિશ્વાસ છે કે આ કપરો સમય પણ પસાર થઈ જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer