તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન ઘટવાની યુએસડીએની ધારણા

તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન ઘટવાની યુએસડીએની ધારણા
વ્યાપાર માટે વિશેષ
મુંબઈ, તા. 20 અૉગ.
અમેરિકન કૃષિ વિભાગ (યુએસડીએ) એ માર્કાટિંગ વર્ષ 2019-20 માટે સમગ્ર દુનિયામાં તેલીબિયાંનું ઉત્પાદન વર્ષ 2019-20માં જુલાઇ મહિનાની તુલનામાં 51 લાખ ટન ઘટાડીને 58.09 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. સોયાબીનનું ઉત્પાદન જુલાઇની તુલનામાં 52 લાખ ટન ઘટીને 34.18 કરોડ ટન રહેવાની ધારણા છે. આ ઉત્પાદન ગત વર્ષની તુલનામાં 5.8 ટકા ઓછું રહેવાની શક્યતા છે. સનફ્લાવરનું ઉત્પાદન વધશે તેમ જ રેપસીડ, મગફળી અને કોટનસીડનું ઉત્પાદન ઘટવાનો અંદાજ મુકાયો છે. 
યુએસડીએએ વર્ષ 2019-20ના પોતાના રિપોર્ટમાં સમગ્ર દુનિયામાં તેલીબિયાંનો પાક જુલાઇ મહિનાની તુલનામાં 3.6 ટકા ઘટવાનો અંદાજ મૂક્યો છે. વર્ષ 2019-20ની ઓગસ્ટના રિપોર્ટમાં તેલીબિયાંની વૈશ્વિક નિકાસ જુલાઇની તુલનાએ ત્રણ લાખ ટન ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. તેલીબિયાંનો વૈશ્વિક એન્ડિંગ સ્ટોક વર્ષ 2018-19ની તુલનાએ 11 ટકા ઘટવાનો અંદાજ છે. 
યુએસડીએના રિપોર્ટ મુજબ વર્ષ 2019-20માં તેલીબિયાંનું પિલાણ વર્ષ 2018-19ના 49.12 કરોડ ટનથી વધીને 50.14 કરોડ ટને પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2019-20માં તેલીબિયાંનો વૈશ્વિક એન્ડિંગ સ્ટોક વર્ષ 2018-19ના 13.38 કરોડ ટનની તુલનામાં 11.91 કરોડ ટન રહેવાનો અંદાજ છે. 
રિપોર્ટ મુજબ વનસ્પતિ તેલોનો વૈશ્વિક ઘરેલુ વપરાશ વર્ષ 2019-20માં 20.46 કરોડ ટન રહેવાનો અંદાજ છે જે વર્ષ 2018-19માં 19.93 કરોડ ટન અંદાજવામાં આવ્યો છે. વર્ષ 2017-18માં વેજિટેબલ ઓઇલનો વૈશ્વિક ઘરેલુ વપરાશ 19.23 કરોડ ટન હતો. વેજિટેબલ ઓઇલનો એન્ડિગ સ્ટોક વર્ષ 2019-20માં 2.07 કરોડ ટન રહેવાનો અંદાજ મુકાયો છે જે વર્ષ 2018-19માં 2.17 કરોડ ટન અંદાજ્યો હતો. જે વર્ષ 2017-18માં 2.21 કરોડ ટન રહ્યો હતો. 
યુએસડીએએ વર્ષ 2019-20ના નવા રિપોર્ટમાં સમગ્ર દુનિયામાં 34.18 કરોડ ટન સોયાબીનનો પાક થવાનો અંદાજ મૂક્યો છે. આ અંદાજ વર્ષ 2018-19 માટે 36.28 કરોડ ટન તેમ જ વર્ષ 2017-18 માટે 34.15 કરોડ ટન હતો. 
વર્ષ 2019-20ના રિપોર્ટમાં અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન અંદાજ વર્ષ 2019-20 માટે 10.01 કરોડ ટન અંદાજ્યો છે. જે ગત મહિને 10.46 કરોડ ટન મુકાયો હતો. બ્રાઝિલમાં વર્ષ 2019-20માં સોયાબીનનો પાક વર્ષ 2018-19ના 11.70 કરોડ ટનની તુલનાએ 12.30 કરોડ ટન અંદાજવામાં આવ્યો છે. આર્જેન્ટિનામાં સોયાબીનનો પાક 5.60 કરોડ ટનના બદલે વર્ષ 2019-20માં 5.30 કરોડ ટન થવાની સંભાવના છે. 
યુએસડીએના નવા રિપોર્ટ મુજબ સમગ્ર દુનિયામાં સોયાખોળનું ઉત્પાદન વર્ષ 2019-20માં 24.06 કરોડ ટન રહેવાનો અંદાજ છે જ્યારે વર્ષ 2018-19માં 23.49 કરોડ ટન રહેવાની સંભાવના છે. 
આ ઉત્પાદન વર્ષ 2017-18માં 23.24 કરોડ ટન હતું. ચીનમાં તેનો ઘરેલુ વપરાશ 6.64 કરોડ ટન રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે સોયાખોળની વૈશ્વિક ઘરેલુ વપરાશ વર્ષ 2019-20માં 23.68 કરોડ ટન રહેવાની ધારણા છે. 
ભારતમાં વર્ષ 2019-20માં સોયાખોળનું ઉત્પાદન 76 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે વર્ષ 2018-19માં તેની સમકક્ષ રહેવાની ધારણા છે. ભારતમાં સોયાખોળનો વપરાશ 57.50 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ અંદાજ વર્ષ 2018-19 માટે 56 લાખ ટન મુકાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer