ભારતનું ઇથેનોલનું ઉત્પાદન 11 ટકા વધવાનો અંદાજ

ભારતનું ઇથેનોલનું ઉત્પાદન 11 ટકા વધવાનો અંદાજ
ક્રૂડતેલની આયાત ઘટશે અને ખેડૂતોને શેરડીના સારા ભાવ પણ મળશે      

કલ્પેશ શેઠ 
મુંબઇ, તા. 20 અૉગ.
દેશના અર્થતંત્રની ગાડી સાથે એક પૈડું કૃષિક્ષેત્રનું જોડવાના સરકારના પ્રયાસોને સફળતા મળી રહી છે. વાહનોનાં ઇંધણમાં ઇથેનોલના ઉપયોગની પરવાનગી અપાયા બાદ હવે વર્ષ 2019માં ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન 11 ટકા જેટલું વધીને ત્રણ અબજ લિટર થવાની શક્યતા અમેરિકન કૃષિ વિભાગે વ્યક્ત કરી છે. આમ થવાથી દેશમાં શેરડીનો પાક લેતા ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહેશે જ્યારે ક્રૂડતેલની આયાતમાં ઘટાડો થશે.   
યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (યુએસડીએ) દ્વારા હાલમાં જ રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ફ્યુલ ગ્રેડનું ઇથેનોલ ઉત્પાદિત કરવા માટે ભાવમાં ઇન્સેટિવ અપાતાં હવે સી-હેવી ગ્રેડના મોલાસીસ ઉપરાંત બી-હેવી ગ્રેડના મોલાસીસનું ઉત્પાદન પણ વધશે. જોકે આ ફેરફારમાં ખર્ચ વધારે આવવાની પણ શક્યતા છે. ઇન્ડિયન સુગર મિલ ઍસોસિયેશન (ઇસ્મા) ના અંદાજ પ્રમાણે વર્ષ 2019માં સપ્લાય 2.4 અબજ લિટર રહેવાની જે ધારણા મુકાઇ છે તેમાં 1.8 અબજ લિટર સી-હેવી મોલાસીસ 43 કરોડ લિટર બી-હેવી મોલાસીસ, 17 કરોડ લિટર ખરાબ થયેલા અનાજમાંથી તથા બે કરોડ લિટર શેરડીના રસમાંથી મળવાની ધારણા છે. વર્ષ 2018માં મોલાસીસમાંથી આશરે 2.7 અબજ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું હતું.      
વર્ષ 2018-19માં ભારતની સુગર મિલોએ 237 લિટર ઇથેનોલ પૂરો પાડવાના કરાર કર્યા હતા. જે ભારતમાં પેટ્રોલના કુલ વપરાશના 7.2 ટકા જેટલું ફ્યુલ હોવાનું અનુમાન છે. સ્વાભાવિક રીતે જ આટલા ક્રૂડતેલની આયાત ઘટે તો દેશના ઇમ્પોર્ટ બિલમાં ઘટાડો થાય જે સરવાળે દેશની તિજોરીને લાભદાયક હોય. આમ દેશની એગ્રિઇકોનોમીને દેશની ક્રૂડ ઇકોનોમી સાથે જોડવાના સરકારના પ્રયાસને સફળતા મળી રહી છે. આમેય તે ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોથી ખાંડનું ઉત્પાદન વપરાશ કરતાં વધારે થાય છે જેના કારણે મિલોને નુકસાન થાય છે પણ ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર ખાંડની મિલો માટે રાહત પેકેજ જાહેર કરતી હોય છે.  હવે જો મિલો ઇથેનોલનું ઉત્પાદન વધારીને પોતાના પગભર થાય તો સરકાર પરનો બોજ ઘટાડી શકાય અને ખેડૂતોને પણ પોતાની શેરડીના પોષણક્ષમ ભાવ મળી રહે. આ ઉપરાંત પર્યાવરણને પણ ફાયદો થાય.   
છેલ્લાં બે વર્ષમાં ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન ઉત્તરોતર વધી રહ્યું હોવા છતાં હજુ પણ ભારત ઇથેનોલનું નેટ ઇમ્પોર્ટર છે. છેલ્લાં છ વર્ષથી અમેરિકા ભારતને ઇથેનોલ સપ્લાય કરવામાં પ્રથમ ક્રમાંકે છે. આ રીતે જોઇએ તો ભારતના અમેરિકા સાથે વ્યવસાયી સંબંધો પણ મજબૂત બને છે જે વૈશ્વિક મંચ પર સંયુક્ત રાષ્ટ્રોમાં કાશ્મીર જેવા મુદ્દાઓમાં અમેરિકાનો ભારતને ટેકો મેળવવામાં મદદરૂપ થાય છે. કૅલેન્ડર વર્ષ 2018માં ભારતે આશરે 27 કરોડ ડોલરનું 63.30કરોડ લિટર ઇથેનોલ આયાત કર્યુ હતું. જે અગાઉના વર્ષની આયાતમાં 14 ટકાનો ઘટાડો દેખાડે છે. એક વર્ષમાં અમેરિકાથી થતી આયાતમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતની આયાત જેમ ઘટશે તેમ દેશની તિજોરીને ફાયદો થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer