એક કિલો ચાની કિંમત રૂા.75,000 !

એક કિલો ચાની કિંમત રૂા.75,000 !
ભાવ કેવી રીતે નક્કી થાય છે અને આટલી મોંઘી ચા કેવી રીતે વેચાય છે?

ગુવાહાટી, તા. 20 અૉગ.
ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર (જીટીએસી)માં આસામના ડિકોમ ટી એસ્ટેટની `ગોલ્ડન બટરફ્લાય' સ્પેશિયાલિટી ચા પ્રતિ કિલો રૂા. 75,000ના ભાવે વેચાઈ, જે ભારતીય ચાનો વિક્રમી ઊંચો ભાવ છે, એમ ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસીયેશનના સેક્રેટરી દિનેશ બિહાનીએ જણાવ્યું છે.
વિક્રમો બન્યા અને તૂટયા
અત્યાર સુધીમાં જીટીએસીમાં ચાની હરાજી દરમિયાન અનેક વિક્રમો બન્યા અને તૂટયા છે. થોડા જ દિવસો અગાઉ એટલે કે 31મી જુલાઈએ `મૈજાન ગોલ્ડન ટિપ્સ' તરીકે જાણીતી આસામ ટીની વેરાયટી પ્રતિ કિલોગ્રામ રૂા. 70,501ના ભાવે વેચાઈ હતી. એના થોડા દિવસો પહેલાં `મનોહરી ગોલ્ડ સ્પેશિયલ' ચા પ્રતિ કિલો રૂા. 50,000ના ભાવે વેચાઈ હતી. 
જુલાઈ, 2018માં `મનોહરી ગોલ્ડ સ્પેશિયલ' ચા પ્રતિ કિલો રૂા. 39,001ના ભાવે વેચાઈ હતી. જીટીએસીએ કહ્યું કે અગાઉ અરુણાચલ પ્રદેશમાં થયેલી હરાજી આ ચાની કિંમત રૂા. 18,801 પ્રતિ કિલો હતો, જેનાથી 2018માં બમણો વધ્યો હતો. ભારતીય ચા માટે આ નવા વિક્રમો છે. જોકે, અૉગસ્ટમાં આ જ ચાની કિંમત અરુણાચલની ચાની આ વેરાયટી પ્રતિ કિલો રૂા. 40,000 નોંધાઈ હતી.
વિશેષતા શી છે ?
ગુવાહાટીની સૌથી જૂની ચાની દુકાનોમાં ગણાતી આસામ ટી ટ્રેડર્સના લલિત કુમાર જાલને કહ્યું કે `ગોલ્ડન બટરફ્લાય'ની વિશેષતા આ દુર્લભ અને ખાસ ચાના કુમળા પાંદડાંની સોનેરી ટોચ છે. તાજેતરની હરાજીમાં આ ચાની વિક્રમી કિંમત ચૂકવનારી આસામ ટી ટ્રેડર્સના જાલને ઉમેર્યું કે આ ચા અત્યંત સ્વાદિષ્ટ અને મીઠી હોય છે.
ચાની હરાજી ક્યાં ?
ભારતમાં ચાની હરાજીનાં છ કેન્દ્રો છે - કોલકાતા, ગુવાહાટી, સિલિગુડી, કોચી, કોઈમ્બતૂર અને કુન્નુર. કોલકાતા સૌથી જૂનું કેન્દ્ર છે, જે 1861માં બ્રિટિશરોએ સ્થાપ્યું હતું. તે પછી 1970માં ગુવાહાટી કેન્દ્ર શરૂ કરાયું. ચાનું મૂલ્ય જાણવા હરાજી સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ હોવાનું મનાય છે.
દેશમાં ચાના કુલ ઉત્પાદનમાંથી 55 ટકા ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. જીટીએસી સાથે 665 વિક્રેતા, 247 ગ્રાહકો, નવ બ્રોકર્સ અને 34 ગોદામો નોંધાયેલાં છે. હરાજી સામાન્ય રીતે મંગળવાર અને બુધવારે યોજાય છે. જીટીએસી પાસે હરાજી માટે ખાસ હોલ છે, પરંતુ છેલ્લા એક દાયકાથી તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે.
ગ્રાહકો શું જુએ છે ?
દેખાવ, ગુણવત્તા, પ્રવાહી સ્વરૂપમાં તે કેટલી કડક છે, સુગંધ અને દુકાન કે ગોદામમાં તેને કેટલો લાંબો સમય સારી રીતે સંગ્રહી શકાય તેમ છે -  આ બાબતો ગ્રાહકો ધ્યાન ઉપર લે છે. ચા બગીચામાંથી ચૂંટાયા પછી ગોદામમાં પહોંચે તે સમગ્ર પ્રક્રિયા હરાજીનો ભાગ છે. તેમાં બ્રોકર્સ ટેસ્ટિંગ અને સેમ્પલિંગ કરે તે પછી મૂલ્યાંકનની માહિતી ટી બોર્ડ અૉફ ઈન્ડિયાની હરાજીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવે છે.
ચીનમાં શું થાય છે ?
ચીનમાં 1500 વર્ષથી ચા પીવાને એક કળા ગણવામાં આવે છે. 2002માં ચીનમાં ચાનો જબરદસ્ત મોટો સોદો થયો હતો, જેમાં ગ્રાહકે ચીનની વર્ષો જૂની દા હોન્ગ પાઓ ચા માટે 20 ગ્રામના 1,80,000 આરએમબી ચૂકવ્યા હતા. હાલના ભાવે તેનું મૂલ્ય રૂા. 18.3 લાખ થાય. એટલે, ભારતમાં સોનાના ભાવ (પાછલા સપ્તાહે રૂા. 38,000 પ્રતિ 10 ગ્રામ) કરતાં પણ આ ચાની કિંમત અનેક ગણી ઊંચી ગણાય. જોકે, દા હોન્ગ પાઓ ચાની તમામ વેરાયટી આટલી મોંઘી હોતી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer