નિષ્ફળ એટીએમ ટ્રાન્ઝેક્શનની ફી નહીં લેવાય

નિષ્ફળ એટીએમ ટ્રાન્ઝેક્શનની ફી નહીં લેવાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 અૉગ.
ટેકિનકલ ખામીના કારણે અથવા એટીએમમાં રોકડ નહીં હોવાને કારણે કેન્સલ ટ્રાન્ઝેક્શનની ફી નહીં લેવાની સૂચના રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ બૅન્કોને આપી છે.
આરબીઆઈએ તમામ શેડયુલ્ડ કૉમર્શિયલ બૅન્કો, પ્રાંતીય ગ્રામીણ બૅન્કો, અર્બન કો-અૉપરેટિવ બૅન્કો, સ્ટેટ કો-અૉપરેટિવ બૅન્કો, ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-અૉપરેટિવ બૅન્કો, સ્મોલ ફાઇનાન્સ બૅન્કો, પેમેન્ટ બૅન્કો અને વ્હાઇટ લેબલ એટીએમ અૉપરેટરો જોગ એક સર્ક્યુલર દ્વારા સ્પષ્ટતા કરી છે કે હાર્ડવેર, સૉફ્ટવેર, કમ્યુનિકેશન ઇસ્યૂસ જેવા ટેકિનકલ અને એટીએમમાં રોકડ હોય નહીં તેવાં કારણોસર ટ્રાન્ઝેકશન નકારાય અથવા બૅન્કો અથવા એટીએમ સંચાલકોએ આપેલા ઇનવેલિડ પીન/વેલિડેશન જેવાં કારણોએ ટ્રાન્ઝેકશન રદ થશે તો તેવા ટ્રાન્ઝેક્શનની ગ્રાહકોને મળતા વિનામૂલ્યે એટીએમ ટ્રાન્ઝેકશનમાં નહીં ગણવામાં આવે. પરિણામે તેવા `નિષ્ફળ' ટ્રાન્ઝેકશન ઉપર કોઈ ચાર્જ બૅન્કો અથવા એટીએમ સંચાલકો વસૂલ કરી શકશે નહીં.
તે સાથે રોકડ ઉપાડ સિવાયના ટ્રાન્ઝેકશન જેવા કે બેલેન્સ ઇન્કવાયરી, ચેકબુક રિક્વેસ્ટ, ટૅક્સ પેમેન્ટ, ફન્ડ ટ્રાન્સફર જેવા વ્યવહારો પણ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનમાં નહીં ગણાય એવી સ્પષ્ટતા આરબીઆઈએ કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer