રાહત પૅકેજની જાહેરાત લંબાઈ જતાં શૅરોમાં નરમાઈ

રાહત પૅકેજની જાહેરાત લંબાઈ જતાં શૅરોમાં નરમાઈ
બૅન્કિંગ, નાણાસેવા અને ધાતુઓમાં વેચવાલી

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 20 અૉગ.
દેશભરમાં જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી તેવા કેન્દ્રના પ્રોત્સાહન પૅકેજની જાહેરાતના અભાવે  શૅરબજારમાં નરમાઈ જોવા મળી હતી. એનએસઈ ખાતે નિફ્ટી 37 પૉઇન્ટ ઘટાડે 11017 બંધ હતો. જોકે, ઇન્ટ્રાડે 69 પૉઇન્ટના ઘટાડા સાથે પુન: 11000 નીચે ગયા પછી તેણે આખરે સુધરીને 11000ની સપાટી ફરી સર કરી હતી. ફેડ રિઝર્વની બેઠકના સકારાત્મક સંકેતની અપેક્ષાએ નાસ્દાક અને એશિયાનાં મહત્ત્વનાં બજારો સુધારે રહ્યાં હતાં. બીએસઈ ખાતે સેન્સેક્ષ 74 પૉઇન્ટ ઘટીને 37328 બંધ હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 81 અને 79 પૉઇન્ટ ઘટયા હતા. એનએસઈ ખાતે ક્ષેત્રવાર સૌથી વધુ ઘટાડો પીએસયુ બૅન્કેક્સમાં 2.4 ટકાનો હતો. નાણાસેવા અને મેટલ ઇન્ડેક્સ અનુક્રમે 1 અને 2 ટકા ઘટાડે હતા. જોકે, રૂપિયામાં સતત નબળાઈથી વાહન અને આઈટી ઇન્ડેક્સ સુધર્યા હતા. નિફ્ટીના 19 શૅરના ભાવમાં સુધારા સામે 31 શૅરમાં ઘટાડો નોંધાયો હતો. વીઆઈએક્સ (વોલાટિલિટી) ઇન્ડેક્સ 2 ટકા નીચે બંધ હતો.
આજે આરબીઆઈએ બૅન્કોને તેમની એનપીએ અંગે ત્વરિત પગલાં લેવાની સૂચના આપવાથી બૅન્કિંગ ક્ષેત્રે વેચવાલી વધી છે. એસબીઆઈ રૂા. 3, એક્સિસ બૅન્ક રૂા. 13, ઇન્ડસઇન્ડ રૂા. 38, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 4 ઘટયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 17, સનફાર્મા રૂા. 15, એચડીએફસી રૂા. 24, આઈટીસી અને બ્રિટાનિયામાં (નોંધપાત્ર રીતે) અનુક્રમે રૂા. 5 અને રૂા. 85નો ઘટાડો નોંધાયો હતો.
આજે સુધારામાં મુખ્ય મારુતિ સુઝુકીમાં રૂા. 208, ડૉ. રેડ્ડીસ રૂા. 45, એચસીએલ ટેક રૂા. 20, મહિન્દ્રા રૂા. 7, એચયુએલ રૂા. 22, ટીસીએસ રૂા. 24, કોટક બૅન્ક અને એચડીએફસીમાં અનુક્રમે રૂા. 9 અને રૂા. 14 સુધારો હતો.
ઉલ્લેખનીય રીતે વૈશ્વિક બજારોના સુધારા છતાં સ્થાનિક બજારમાં ધીમો ઘસારો જોવાયો છે. સ્થાનિકમાં અર્થવ્યવસ્થાની સમસ્યાઓ વિશે વધતી જતી ચર્ચાથી રોકાણકારોનું માનસ ખરડાયું હોવાનું દલાલ સૂત્રોએ જણાવ્યું છે.
એશિયાનાં બજારો
અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષાએ જપાન ખાતે નિક્કી 0.54 ટકા સુધર્યો હતો. અમેરિકાનો નાસ્દાક ઇન્ડેક્સ 107 પૉઇન્ટ વધતાં દક્ષિણ કોરિયા ખાતે કોસ્પી 20 પૉઇન્ટ ઊંચે મુકાયો હતો, જ્યારે એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 0.53 ટકા વધ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer