પોલિશ્ડ હીરાના વેચાણમાં ઘટાડો થતાં મોટી કંપનીઓએ રફની આયાત અટકાવી

પોલિશ્ડ હીરાના વેચાણમાં ઘટાડો થતાં મોટી કંપનીઓએ રફની આયાત અટકાવી
એપ્રિલ-જુલાઈના ગાળામાં રફ હીરાની આયાત 28 ટકા ઘટી

ખ્યાતિ જોશી
સુરત, તા. 20 અૉગ.
વૈશ્વિક મંદીની મોટી અસર દેશના હીરા-ઝવેરાત ઉદ્યોગને પણ પહોંચી છે. એની અસરરૂપે પોલિશ્ડ હીરાના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. અનેક પેઢીઓએ રફ હીરાની આયાત અટકાવી દેતાં એપ્રિલ-જુલાઈના સમયગાળા દરમિયાન રફ હીરાની આયાતમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. 
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઈપીસી)એ જાહેર કરેલા તાજા આંકડા મુજબ ગત વર્ષે એપ્રિલ-જુલાઈ દરમિયાન રફ હીરાની આયાત રૂા. 42,247.53 કરોડની હતી. જ્યારે ચાલુ વર્ષે એપ્રિલ-જુલાઈ દરમિયાન રફ હીરાની આયાત રૂા. 31,266.88 કરોડની થઈ છે. રફ હીરાની આયાતમાં 28.03 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટોચની રફ હીરાની નિકાસ કરતી રશિયાની અલરોઝા અને ડી-બિયર્સના વેચાણમાં 2.5 બિલિયન ડૉલર અંદાજે 25 ટકાનું ગાબડું નોંધાયું છે.
દુનિયાભરમાં ઘેરી મંદી ફરી વળતાં હીરા-ઝવેરાત ઉદ્યોગને મોટી અસર પહોંચી છે. હીરાઉદ્યોગની ટોચની પેઢીઓએ રફ હીરાની આયાત અટકાવી દીધી હોવાનું ચિત્ર ઊપસ્યું છે. ગુજરાત ડાયમંડ વર્કર સંઘે પાછલા મહિને જ બેરોજગાર કારીગરોની નોંધણી કરી હતી. રાજ્યમાં પાછલા ત્રણ માસ દરમિયાન 13 હજાર હીરાના કારીગરો બેરોજગાર બન્યાનો ઘટસ્ફોટ થયો છે. આ આંકડા ઘટેલી આયાતની સાક્ષી જેવા છે. 
સુરત ડાયમંડ ઍસોસિએશનના પ્રમુખ બાબુભાઈ કથિરીયા કહે છે કે, હીરાઉદ્યોગમાં ધીમા પગલે મંદીએ પ્રવેશ કર્યો છે. જોકે એકથી વધુ કારણો જવાબદાર છે. હૉંગકૉંગમાં કટોકટીના કારણે અનેક પાર્સલો અટવાયાં છે. ચીન-અમેરિકાના વેપાર યુદ્ધના કારણે પણ દુનિયાભરના હીરા-ઝવેરાત ઉદ્યોગને અસર પહોંચી છે. અમે સ્વીકારીએ છીએ કે રાજ્યમાં હીરાના કારીગરો બેકાર બન્યા છે. આમ છતાં અનેક મોટા યુનિટો ખોટ કરીને પણ કારીગરોને સાચવી રહ્યા છે જે પ્રવર્તમાન સ્થિતિમાં આવકારદાયક બાબત છે. 
જીજેઈપીસીના રિજીયોનલ ચૅરમૅન દિનેશભાઈ નાવડિયા કહે છે કે, પ્રવર્તમાન સ્થિતિમાં ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે વિશાળ તક છૂપાયેલી છે. ચીન-અમેરિકાની ટ્રેડ વોરમાં ભારતના ઝવેરાત ઉદ્યોગ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં ઉત્તમ ક્વોલિટી અને બેસ્ટ ડિઝાઈન સાથેની પ્રોડક્ટ બજારમાં ઠાલવી શકે છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કુશળ કારીગરોની સેના તૈયાર કરવાનો સમય છે. જોકે પાછલા દોઢેક માસથી દુનિયાભરમાં ચાલી રહેલી ઊથલપાથલના કારણે દેશના હીરા-ઝવેરાત ઉદ્યોગે વેઈટ-વોચની નીતિ અપનાવી છે. આ કારણે પણ રફ હીરાની આયાતમાં ઘટાડો આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer