આઈએનએક્સ મીડિયા કેસ પી. ચિદમ્બરમને હાઈ કોર્ટે આગોતરા જામીન નકાર્યા

આઈએનએક્સ મીડિયા કેસ પી. ચિદમ્બરમને હાઈ કોર્ટે આગોતરા જામીન નકાર્યા
આજે સુપ્રીમ કોર્ટમાં અપીલની સુનાવણી

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 20 અૉગ.
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમને મોટો ફટકો પડયો છે. દિલ્હી હાઈ કોર્ટે આજે આઈએનએક્સ મીડિયા
કેસમાં તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી ત્યાર બાદ તપાસ એજન્સીઓએ તેમની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના સુધી પહોંચવામાં સફળ થઈ નહોતી.
દરમિયાન વડી અદાલતે વચગાળાના જામીન નકારતાં ચિદમ્બરમ કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ ધારાશાત્રીઓ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સંઘવી અને સલમાન ખુર્શીદને સુપ્રીમ કોર્ટમાં મળ્યા હતા અને ભાવિ પગલાં વિશે ચર્ચા કરી હતી.
ચિદમ્બરમની અપીલ-અરજી જ્યુડિશિયલ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે જે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ થશે. કપિલ સિબ્બલને ચિદમ્બરમની અપીલ આવતી કાલે બુધવારે સવારે 10.30 કલાકે રજૂ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે આપી છે. આ કેસમાં તેમની ધરપકડ સામે હાઈ કોર્ટે તા. 25 જુલાઈ 2018ના તેમને વચગાળાની રાહત આપી હતી. આ રાહત સમયે સમયે લંબાવવામાં આવી હતી. રૂા. 3500 કરોડ એરસેલ-મેક્સિસ સોદામાં અને રૂા. 305 કરોડના આઈએનએક્સ મીડિયા કેસમાં કૉંગ્રેસના આ વરિષ્ઠ નેતાની ભૂમિકા વિવિધ તપાસકર્તા એજન્સીઓની રડાર પર આવી હતી.
આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ તા. 15 મે 2017ના એફઆઈઆર રજિસ્ટર્ડ કરી હતી. 2007માં રૂા. 305 કરોડનું વિદેશી ફંડ મેળવવા માટે મીડિયા ગ્રુપને જે એફઆઈપીબી ક્લિયરન્સ અપાયું તેમાં અનિયમિતતા જોવાઈ હતી. ત્યારે ચિદમ્બરમ કેન્દ્રીય નાણાપ્રધાન હતા. ત્યારબાદ 2018માં ઈડીએ આ સંબંધી મની લોન્ડરિંગ કેસ નોંધ્યો હતો. ચિદમ્બરમની અરજીમાં જણાવાયું છે કે આ કેસમાં ઈડી દ્વારા તેમને હજી કોઈ સમન્સ બજાવાયા નથી. આમ છતાં સીબીઆઈ દ્વારા સમન્સ ઇસ્યૂ કરાયા હોવાથી તેમની ધરપકડ થવાની દહેશત તેમને છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer