સુરતમાં 752 બિટકૉઈન ટાંચમાં લેવાયાં

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 સપ્ટે.
બિટકોઈન-બિટ કનેક્ટ કૌભાંડના મુખ્ય સૂત્રધારોને ઝડપી સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે 4 હજાર પાનાંની દળદાર ચાર્જશીટ રજૂ કરી છે. બિટકોઈન કૌભાંડ આચરીને રોકાણકારોના કરોડો રૂપિયા ગજવે કરનાર આરોપીઓ સામે સીઆઈડી ક્રાઈમના પીઆઈ પી જી નરવાડે ચાર્જશીટમાં કડક આરોપ મૂક્યા છે.
સુરત સીઆઈડી ક્રાઈમની 4 હજાર પાનાંની દળદાર ચાર્જશીટમાં સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા એન્ડ કંપની સામે આરોપો રજૂ કરાયા છે. સતીષ કુંભાણીએ શરૂઆતમાં એક ડોલરની કિંમતનો બિટકનેક્ટ કોઈન શરૂ કરી તેને 400 ડોલર સુધી લઈ ગયો હતો. જે પ્રકારે શેરબજારમાં ભાવ ઉપર-નીચે જાય છે તે પ્રકારે બિટકોઈનનો ભાવ પણ ઉપર-નીચે કરાયો હતો. બિટકનેક્ટની કિંમત રાતો-રાત તૂટી જતાં તે સાઈટને બંધ કરી દેવામાં આવતાં સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. 
કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સતીષ કુંભાણી અને બીજા આરોપીઓ દેશ છોડીને દુબઈ નાસ્યા હતા. સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરતાં તે ઝડપાયો હતો. સતીષને ઝડપી લેવાયા બાદ જ સીઆઈડી ક્રાઈમે કેસને ઝડપથી ઉકેલ્યો છે. ટૂંક સમયમાં કરોડપતિ બનાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉસેટનાર આરોપી સામે સીઆઈડી ક્રાઈમે 4 હજાર પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. 
અત્યાર સુધી સીઆઈડી ક્રાઈમે આરોપીની રૂા. 20 કરોડની મિલકતોને ટાંચમાં લીધી છે. તેમજ 752 બિટકોઈન પણ આરોપીઓ પાસેથી ટાંચમાં લેવાયાં છે. સીડીના સ્વરૂપે ચાર્જશીટ રજૂ કરાઈ છે, જેમાં પોલીસે તમામની પાસેથી લીધેલાં નિવેદનો પણ ટાંકવામાં આવ્યાં છે. સીઆઈડી ક્રાઈમે દિવ્યેશ દરજી, સતીષ કુંભાણી, ધવલ માવાણી, રાકેશ સવાણી અને સુરેશ ગોરસિયાની ધરપકડ કરી છે. આ તમામ સામે કડક આરોપ ચાર્જશીટમાં મુકાયા છે. આ ઉપરાંત પોલીસે બિટકોઈન કૌભાંડમાં આરોપી ગૌતમ લાઠિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer