હીરાના કારીગરોની વિશેષ પૅકેજની માગ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 10 સપ્ટે.
હીરાઉદ્યોગમાં પાછલા છ માસમાં 15હજાર જેટલા રત્નકલાકારો બેકાર બન્યા છે. 
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિમંડળે નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ સમક્ષ હીરાઉદ્યોગની માંદી સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. હીરાઉદ્યોગમાં બેરોજગાર કારીગરોને વૈકલ્પિક રોજગારી આપવાની માગ સાથે બેરોજગાર કારીગરો માટે વિશેષ પૅકેજની માગ કરવામાં આવી છે.
યુનિયને કારીગરો માટે રત્નદીપ યોજના જાહેર કરવાની માગ કરી છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને નાયબ મુખ્ય પ્રધાન સમક્ષ હૈયાવરાળ ઠાલવતાં સ્પષ્ટ કર્યુ હતું કે, હીરાઉદ્યોગમાં કારીગરોની બરબાદીનું મુખ્ય કારણ મજૂર કાયદાનું ઉલ્લંઘન છે. હીરાઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન કરવામાં આવતું નથી. 
કારણદર્શક નોટિસ આપ્યા વિના કારખાનેદારો દ્વારા કારીગરોને છૂટ્ટા કરી દેવામાં આવે છે. જેના કારણે એકાએક નોકરી છૂટી જતાં કારીગરનો સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગત સપ્તાહે જ સુરતમાં 450 રત્નકલાકારોને એક સાથે છૂટ્ટા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનની મધ્યસ્થી બાદ કારીગરોને ફરી કામે લેવામાં આવ્યા છે.  વર્ષ 2008માં રત્નકલાકારો માટે કૌશલ્યવર્ધક યોજના બનાવવામાં આવી હતી તે પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવે અને તેનું કદ પણ વધારવામાં આવે તેવી માગ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રાજ્ય સરકાર સમક્ષ કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer