કચ્છની સુવર્ણ બજાર મંદીના ભરડામાં

સોનાની ઘરાકીમાં 40 ટકા સુધીનો ઘટાડો
મુંજાલ સોની
ભુજ, તા. 10 સપ્ટે.
સોનાની આયાત ડયૂટીમાં કરાયેલા અઢી ટકાના વધારા બાદ હવે ભાવમાં ભારે ઉછાળાને પગલે કચ્છની સોના-ચાંદી બજારને મંદીનો ભરડો તીવ્ર બન્યો છે. ખરીદી તથા કારોબારમાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. અગાઉની ચિંતાતુર કારોબારીઓએ હવે સારા વરસાદ બાદ દિવાળીના ઉત્સવો અને આગામી લગ્નસરાની મોસમમાં ધૂમ નહીં તો સરેરાશ ખરીદી થાય તેની મીટ માંડી છે. કચ્છમાં સોનાનો રોજિંદો સરેરાશ 12 કિલો જેટલો કારોબાર હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી તે ઘટીને 7થી 8 કિલોએ ઊતરી ગયો હોવાનો અંદાજ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. 
સોના-ચાંદી બજારમાં તેજી છે ઘરાકી મુદ્દે મંદીમાંથી બાકાત નથી. ભાવમાં કમરતોડ વધારો, કચ્છમાં ગયા વર્ષે વરસાદની ખાધ, ખેડૂતોને ઉપજના અપૂરતા ભાવ, ભારે નહીં પણ હળવા (ઝીણા) દાગીના પહેરવાનો નવી પેઢીનો ટ્રેન્ડ વગેરેને લઈને બજારમાં સુસ્તી છે. તાજેતરના સમયમાં 15 ટકા કારીગરો અને પાંચથી સાત ટકા વેપારીઓ સોના-ચાંદીના વ્યવસાયને ત્યજીને અન્યત્ર વળ્યા છે. કચ્છમાં સોના-ચાંદીની 1100થી 1200 દુકાન છે. ભુજ, ગાંધીધામ, નખત્રાણા જેવા મહત્ત્વનાં કેન્દ્રોમાં મંદીનો માહોલ છે. જોકે, રાપર વિસ્તારમાં ગત સિઝનમાં જીરુંનો મબલખ પાક ઊતરતાં સોના-ચાંદી બજારમાં પણ મંદી નથી. જોકે, સામે તેજીય નથી. 
ભુજ બુલિયન ઍસોસિયેશનના પ્રમુખ ભદ્રેશ દોશી કહે છે કે, સોનાના ભાવ બહુ વધી ગયા છે અને ખરીદદારો પણ ઘટવાની રાહ જોઈ રહ્યા છે, ગોકુળ આઠમની ખરીદી ખાસ ન નીકળી પણ હવે વરસાદ સારો થયો છે ત્યારે દિવાળીના તહેવારો અને ત્યારબાદની લગ્નસરાની મોસમમાં શુકન સચવાઈ જશે એવી આશા છે.
ભુજના વેપારી જયેશભાઈ કે. સોની કહે છે કે, જે ખરીદી માટે આવે છે તેમાં પણ મોટો વર્ગ જૂના દાગીનામાંથી જ નવા બનાવવાવાળો છે. પચાસેક ટકા બંગાળી કારીગરો વતન વાપસી કરી ગયા છે. 
કચ્છ જિલ્લા સોના-ચાંદી મહામંડળના પ્રમુખ નખત્રાણાના હીરાલાલભાઈ સોની કહે છે કે મંદી તો હતી જ, ભાવ વધારાએ બળતામાં ઘી હોમ્યા જેવું કામ કર્યું છે. ખાસ કરીને નાના વેપારીઓ અને કારીગરો પરેશાન બન્યા છે. નાના વેપારીઓને સરળતાથી લોન મળે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. 
કચ્છ બુલિયન ફેડરેશનના પ્રમુખ ગાંધીધામના મનસુખ કોડરાણી જણાવે છે કે, ગાંધીધામમાં છેલ્લા કેટલાક સમયમાં કારોબારમાં ઘટાડો થયો છે અને પરપ્રાંતીય કારીગરો પણ ધીમે-ધીમે શહેરમાંથી નીકળી રહ્યા છે.
રોકાણકારોનો એક વર્ગ ગોલ્ડ બોન્ડ ભણી
વધતા ભાવને લીધે રોકાણકારોનો એક વર્ગ સોવરિન ગોલ્ડ બોન્ડ (એસ.જી.બી) તરફ વળી રહ્યો છે. સરકારની આ યોજનામાં રોકાણકારોને જેટલું સોનું ખરીદવું હોય એટલા સોનાનો બોન્ડરૂપી દસ્તાવેજ રાષ્ટ્રીયકૃત બૅન્કોમાંથી અપાય છે. 8 વર્ષની મુદ્દત છે અને પાંચ વર્ષ બાદ ઉપાડ કરી શકાય છે. દર વર્ષે એ રકમ પર અઢી ટકા વ્યાજ મળે છે અને પાંચ વર્ષ પછી તમને એ સોનું અથવા ત્યારના બજારભાવ મુજબની કિંમત અપાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer