એરંડાનું વાવેતર ચાર વર્ષની ટોચ ઉપર

ખેડૂતોને રૂા. 1000નો સરેરાશ ભાવ મળતા વાવેતર સાત લાખ હેક્ટર થવાની ધારણા
રાજકોટ, તા.10 સપ્ટે.
એરંડાના ભાવ ચાલુ વર્ષે ઊંચા છે પણ તેનો લાભ વાવેતર સ્વરૂપે ખાસ અંકે કરી શકાયો નથી. ખેડૂતો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકો તરફ વળી જતા ગુજરાતમાં એરંડાનું વાવેતર અપેક્ષા કરતા ઓછું વધી શક્યું છે. છતાં પાછલા ચાર વર્ષની ટોચ વાવણીમાં જોવા મળી છે.
ગુજરાત સરકારના તાજા આંકડાઓ પ્રમાણે એરંડાનું વાવેતર સપ્ટેમ્બરના આરંભે 5.77 લાખ હેક્ટર રહ્યું છે. જે પાછલા વર્ષમાં 4.26 લાખ હેક્ટર હતું. 2015માં છેલ્લે 7.81 લાખ હેક્ટર સુધી વાવણીનો આંકડો પહોંચ્યો હતો. જોકે, ભૂતકાળમાં થયેલા 10.25 લાખ હેક્ટરના આંક કરતા વાવણી ઓછી રહે તેમ લાગે છે.
સૌથી વધારે વાવણી ઉત્તર ગુજરાતમાં 2.99 લાખ હેક્ટરમાં થઇ છે. કચ્છમાં 1.11 લાખ હેક્ટર, સૌરાષ્ટ્રમાં 1.01 લાખ હેક્ટર અને મધ્ય ગુજરાતમાં 64,000 હેક્ટરમાં થઇ છે.
એરંડાના વેપારીઓ કહે છે, હજુ વીસથી પચીસ દિવસ સુધી એરંડાનું વાવેતર ચાલુ રહેવાનું છે એ જોતા વિસ્તાર 7 લાખ હેક્ટર કે તેનાથી વધારે રહી શકે છે. જોકે, ચાલુ સિઝનમાં એરંડાનો ભાવ રૂા.1000 પ્રતિ મણ કરતા નીચો ગયો નથી એનાથી વાવણી વધવાની સંભાવના હતી. ખેડૂતો એરંડામાં કમાયા છે પણ લાંબા ગાળાનો પાક છે એટલે રવી પાક લેવામાં ય મુશ્કેલી પડે એ ગણતરીએ વાવણીનો વિસ્તાર કપાયો છે. વળી, ખેડૂતોને કપાસ અને મગફળીમાં ટેકાના ભાવનો પણ લાભ મળતો હોય છે. એવું એરંડામાં બની શકતું નથી. 
જોકે, વાવેતર વિસ્તાર સાત લાખ હેક્ટર સુધી પહોંચે તો ઉત્પાદન મબલક થવાના એંધાણ છે. એની અસર નવી સિઝનના ભાવ ઉપર ચોક્કસપણે પડી શકે છે. જોકે, એરંડાનો નવો પાક જાન્યુઆરીમાં આવવાનું શરૂ થાય છે. ત્યાં સુધી ભાવ ઘટે તેમ નથી. પ્રવર્તમાન ભાવમાં એક તેજી પણ આવી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer