સોનાનો ભાવ વધી જતાં લોન લેનાર જ્વેલર્સ ડિફોલ્ટર બને તેવી શક્યતા

મુંબઈ, તા. 10 સપ્ટે.
સોનાના ભાવ વધવાથી જે મધ્યમ અને મોટા જ્વેલર્સે ગોલ્ડ લોન લીધી તેમના ઉપર બજાર ભાવે માર્જિન ચૂકવવાની જવાબદારી આવી છે. ઝવેરાતનું વેચાણ ઘટ્યુ છે ત્યારે આ જવાબદારી પૂરી કરવા તેઓ રોકાણકારો પાસેથી મળતા માસિક ડિપૉઝિટ સ્કીમના નાણાં ભરીને માર્જિનની ચૂકવણી કરે છે, પરંતુ જ્યારે તેઓ ગ્રાહકોને ડિપૉઝિટની સામે જ્વેલરીની ડિલિવરી આપવામાં નિષ્ફળ જશે ત્યારે બજારમાં એક મોટી કટોકટી સર્જાશે. 
માસિક જ્વેલરી સ્કીમ હેઠળ જ્વેલર્સને તેને ડિપૉઝિટના નાણાં મળે તે દિવસના ભાવે સોનાની ખરીદી કરવાની હોય છે. આ ડિપૉઝિટસ સામાન્ય રીતે 11 મહિનાની હોય છે. પાકતી મુદ્દતે જ્વેલર્સે આ ડિપૉઝટની રકમના સામે તેટલા સોનાના ઝવેરાત ગ્રાહકને આપવાના રહે છે.  જ્વેલર્સ બૅન્કોમાંથી લગડીના સ્વરૂપે ગોલ્ડ લોન મેળવે છે. લોનની પાકતી મુદતે તેઓ સોનું પરત કરે છે. આ ગોલ્ડ લોન છ મહિનાની હોય છે. જ્વેલરીના વેચાણના નાણાંથી લોન ચૂકવવા જ્વેલર્સ સોનાની લગડી ખરીદે છે. બજાર સ્થિર હોય ત્યારે આ માર્ગ શ્રેષ્ઠ છે કારણ કે ગોલ્ડ લોન ચાર ટકાની આસપાસ હોય છે. પણ છેલ્લા ત્રણ મહિનામાં સોનાના ભાવ જે નોંધપાત્ર વધી ગયા તેના કારણે બૅન્કો લોનની સામે માર્જિન માગી રહી છે. સોનાની માગ ઘટે ત્યારે આવુ બનતું હોય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer