પીપીએફ અને એનએસસીના વ્યાજદર ઘટી શકે

એજન્સીસ
નવી દિલ્હી, તા. 10 સપ્ટે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) જેવી નાની બચત યોજનાના વ્યાજદર બજારદરને અનુરૂપ નહીં હોવાથી અને બૅન્કોને વધારે વ્યાજ આપવાની ફરજ પડે છે તેથી આ મહિનાના અંતે સરકાર તેની સમીક્ષા કરે ત્યારે નાની બચત યોજનાઓના વ્યાજદર ઘટાડવાનું દબાણ કરી શકે છે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ એમએસએમઈ અને રિટેલ લોનના ભાવ એકસટર્નલ બેન્ચમાર્કસ જેવા કે રેપો અથવા ટ્રેઝરી બિલ્સ સાથે સમકક્ષ હોવાના, બૅન્કોને આદેશ આપવાથી આગામી ત્રિમાસિકમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણ સર્જાશે, જ્યારે નવી લોન સસ્તી બનશે. એસબીઆઈએ તેની સેવિંગ્સ બૅન્ક ડિપોઝિટ્સને રેપોરેટ સાથે સંલગ્નિત કર્યાં છે ત્યારે આ બદલાવ માત્ર અસ્થાયી છે. આઈડીબીઆઈ જેવી અન્ય બૅન્કે કેટલીક બલ્ક ડિપોઝિટ્સના દરને રેપોરેટ સાથે સાંકળી લીધી છે. બજારમાં જ્યારે વ્યાજદર ઘટી રહ્યા છે તેવે સમયે ડિપોઝિટસના વ્યાજદરને રેપોરેટ સાથે જોડવા યોગ્ય જણાતું નથી. વધુમાં અમે નાની બચત યોજનાની ડિપોઝિટ્સ ગુમાવીશું. એમ જાહેર ક્ષેત્રના એસબીઆઈના મૅનેજિંગ ડિરેક્ટર પી. કે. ગુપ્તાએ જણાવતાં વધુમાં કહ્યું હતું કે બૅન્ક આ મુદ્દા પર ટૂંક સમયમાં ચર્ચાવિચારણા કરશે.
વરિષ્ઠ સરકારી અધિકારીએ આ બાબતને સ્વીકારી છે અને સૂચવ્યું હતું કે નાની બચતોના વ્યાજદર ઘટાડવાની જરૂર છે જે રાજકીય નિર્દેશ છે અને પ્રવર્તમાન આર્થિક સ્થિતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના વહીવટ પર વિરોધપક્ષો વિરોધ કરી રહ્યા છે તેવે સમયે આ નિર્ણય લેવો મુશ્કેલ હશે. આ સાથે અધિકારીએ કહ્યું હતું કે બૅન્કો આ બાબતને તેમની કાર્યક્ષમતાના સુધાર થકી આંશિક રૂપે રજૂ કરી શકે છે.
જોકે, નાણામંત્રાલય નાની બચત યોજનાઓના વ્યાજદર બજાર સંલગ્નિત કરવા માટે સહમત થયું છે ત્યારે સરકાર ખુદ પીપીએફ અથવા કિસાન વિકાસ પત્રો ઉપર વ્યાજદર ઘટાડી શકી નથી કેમ કે તેમ કરવાથી જનતા નારાજ થવાની ભીતિ રહે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer