અજમાના ભાવમાં હજી સુધારાની શક્યતા

વ્યાપાર વિશેષ
મુંબઇ, તા. 10 સપ્ટે.
 અજમાની ખેતી ભારે વરસાદથી પ્રભાવિત થવાને લીધે તેના ભાવ હજી ઊંચે જઇ શકે છે. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાનના અજમા ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદથી તેના છોડને નુકસાન થયું છે જેના લીધે તેના ભાવ વધી શકે છે. અલબત હાલ અજમાની માગ સાધારણ છે. 
નોંધનીય છે કે વરસાદ ઉપર નિર્ભર વિસ્તારોમાં અજમાની ખેતી ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી થાય છે જોકે, જ્યાં સિંચાઇની સુવિધા છે ત્યાં તેની ખેતી ઓક્ટોબર સુધી કરવામાં આવે છે. આરંભિક વરસાદ સારો પડવાથી ચાલુ વર્ષે અજમાની ખેતી નોંધપાત્ર થઇ, પરંતુ વીતેલા દિવસોમાં ઉત્પાદક વિસ્તારોમાં મુશળધાર વરસાદથી તેના ઉત્પાદન ઉપર પ્રતિકુળ અસર થતી જોવા મળી રહી છે. આ કારણ જ વીતેલા દિવસોમાં અજમાના ભાવ 10 રૂપિયા પ્રતિ કિગ્રા જેટલા સુધર્યા છે. પાકમાં મોટા નુકસાનનો અંદાજ હવામાન સ્પષ્ટ થયા બાદ દેખાશે તો ભાવ વધુ 10થી 15 રૂપિયા પ્રતિ કિગ્રા વધી શકે છે. 
 વેપારીઓના અંદાજ મુજબ દેશમાં ગત સિઝન 2018-19માં અજમાનું ઉત્પાદન 3 લાખ બોરી (પ્રતિ બોરી 60 કિગ્રા) થયું જ્યારે વર્ષ 2017-18માં આ ઉત્પાદન 5-6 લાખ બોરી હતું. કૃષિ મંત્રાલયના ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ વર્ષ 2018-19માં અજમાનું ઉત્પાદન 23 હજાર ટન થવાની ધારણા છે જે બીજા અંદાજમાં 26 હજાર ટન હતું. 
દેશમાં ગત વર્ષે અજમાનું ઉત્પાદન 24 હજાર ટન થયું હતું. ચાલુ વર્ષે જૂનો સ્ટોક 1.50 લાખ બોરી હતો. દેશના બજારોમાં શરૂઆતમાં અજમાના ભાવ ઘણા સુસ્ત રહ્યા જેનું કારણ પાકિસ્તાનમાંથી આવેલા તેના 60 કન્ટેઇનર છે. પાકિસ્તાની અજમાના લીધે ભાવ ઉપર દબાણ રહ્યું, પરંતુ હવે આ અજમા સંપૂર્ણપણે વેચાઇ ગયા છે. 
વેપારીઓના મતાનુસાર અજમાની અમારી વાર્ષિક માગ લગભગ નવ લાખ બોરી રહે છે. દેશમાં 3 લાખ બોરી ઉત્પાદન, 1.50 લાખ બોરી કેરી ફોરવર્ડ, 1 લાખ બોરી આયાત અને 1 લાખ બોરી ઉનાળુ પાકનો સરવાળો કરતા સ્પષ્ટ રીતે લગભગ બે લાખ બોરી અજમાની શોર્ટેજ થવાની સંભાવના હતી, પરંતુ માગ અત્યંત સામાન્ય રહેવાથી તેમાં કોઇ તેજી જોવા મળી નથી. અલબત ગરમીમાં અજમાની માગ ઘણી ઓછી રહે છે, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. દેશમાં ચોમાસાના આગમન બાદ અજમામાં નવી માગ નીકળશે. 
હાજર બજારની વાત કરીયે તો મધ્યપ્રદેશના નીમચ- શિવપુરીમાં અજમો રૂા.130 ગુજરાતના જામનગરમાં રૂા.180 રૂપિયા તેમજ આંધ્રપ્રદેશના કર્નુલ વિકારાબાદમાં 180 રૂપિયા આસપાસ પ્રતિ કિગ્રાના ભાવે વેચાઇ રહ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer