આસામના ચા ઉત્પાદકો પર બોનસ ચૂકવવા દબાણ

નિધેષ શાહ, ટી ફોરમ
સુરેન્દ્રનગર, તા. 10 સપ્ટે.
મજદૂર સંઘના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પબન સિંઘ ઘાટોવરે ચાના બગીચાના કામદારો અને મજૂરોને 20મી સપ્ટેમ્બર સુધીમાં પૂજાનું બોનસ ચૂકવવા આગ્રહ કર્યો છે. ઘાટોવરે ચા કંપનીઓ તેમ જ બગીચાના માલિકોને જણાવ્યું છે કે તેઓ 20મી સપ્ટેમ્બર સુધીમાં 20 ટકાના દરે પૂજાનું બોનસ ચૂકવી આપે. 
ચાના ઉત્પાદકોના વિવિધ ઍસોસિયેશન્સ (સીસીપીએ)એનું કહેવું છે કે આ વર્ષે નીચા ભાવને કારણે પૂજાનું બોનસ 8.33 ટકાથી વધુ આપી શકાય તેમ નથી. ઘાટોવરે જણાવ્યું છે કે આ વર્ષે મજૂરોને બોનસ રોકડમાં ચૂકવવાના બદલે તેમના બૅન્ક ખાતામાં જમા કરવું જોઈએ, જેથી તેમને મળવાપાત્ર રકમ પૂરેપૂરી તેમના ખાતામાં જમા થઈ શકે.
દરમિયાન ગયા સપ્તાહે ગુવાહાટીમાં રાજ્યના નાણાપ્રધાન હિંમત બિસ્વા અને સાંસદ પલ્લભ દાસ સાથે ઇન્ડિયન ટી ઍસોસિયેશન, નોર્થ ઈસ્ટર્ન ટી ઍસોસિયેશન, ટી ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા, આસામ ટી પ્લાન્ટર્સ ઍસોસિયેશન અને ભારત ચા પરિષદ સહિતના ચા ઉત્પાદકોના વિવિધ જૂથોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચા ઉદ્યોગને વર્તમાન વિકટ પરિસ્થિતિમાં ટકાવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક અને અન્ય મદદ કરે તે માટે અપીલ કરાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer