જીએસટી રિફંડ માટે `સિંગલ અૉથોરિટી''

નિકાસકારોના રૂા. 10,000 કરોડનાં રિફંડ સત્વરે છૂટાં થશે
એજન્સીસ
નવી દિલ્હી, તા. 10 સપ્ટે.
ગુડ્સ અને સર્વિસિસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની આગામી બેઠક તા. 20 સપ્ટેમ્બરે ગોવામાં મળવાની છે. આમાં સ્ટેટ કે સેન્ટ્રલના જીએસટી રિફંડ માટે સિંગલ અૉથોરિટીનું મીકેનિઝમ રચવાની દરખાસ્તને મંજૂરી અપાશે એવી શક્યતા છે. અત્યારે નિકાસકારોના રૂા. 10,000 કરોડના રિફંડ અટવાયેલા છે, તે નવી વ્યવસ્થા હેઠળ ઝડપથી છૂટાં થવાની શક્યતા છે.
2019-20ના એપ્રિલ-જુલાઈમાં નિકાસ 0.37 ટકા ઘટી 107.41 અબજ ડૉલરની થઈ છે. નબળી વૈશ્વિક માગ થકી અને નાણાભીડ થકી નિકાસ નબળી પડી છે.
જીએસટી કાઉન્સિલમાં કેન્દ્રીય નાણાપ્રધાન અને રાજ્યોના નાણાપ્રધાનો હાજરી આપે છે. તેઓ સિંગલ અૉથોરિટી મીકેનિઝમની ચર્ચા કરશે જે આ મહિનાથી અમલી બનવાની શક્યતા છે.
અત્યારે રાજ્યના અને કેન્દ્રના અધિકારીઓ જુદી જુદી રીતે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી રિફંડ દાવાઓ હાથ ધરતા હોવાથી પ્રક્રિયા ગૂંચવાડાભરી બની જાય છે. દા.ત. જો કરદાતા સેન્ટ્રલ ટૅક્સ અૉફિસર પાસે રિફંડ માટે અરજી કરે તો તેને અડધું રિફંડ મળે છે જ્યારે બાકીનું સ્ટેટ ટૅક્સ અૉફિસર વધુ ચકાસણી કર્યા બાદ મંજૂર કરે છે.
ગત મહિને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને માઇક્રો, સ્મોલ અને મીડિયમ (એમએસએમઈ) એકમો માટે સમયસર રિફંડની વાત કરી હતી. અત્યારના બાકીના રિફંડ 30 દિવસમાં જ ક્લીયર કરવાની અને ભવિષ્યમાં રિફંડ 60 દિવસમાં ક્લીયર કરવાની હૈયાધારણ તેમણે આપી હતી.
સિંગલ અૉથોરિટી મીકેનિઝમ હેઠળ કેન્દ્ર કે રાજ્યના ટૅક્સ અધિકારી પાસે રિફંડની એકવાર અરજી કરાશે તો તે અધિકારી ચકાસણી, આકારણી અને મંજૂરી આપશે. પછી બે ટૅક્સ અૉથોરિટી મહિનાની આખર સુધીમાં પોતે અંદરોઅંદર એડજસ્ટ/ સેટલ કરી લેશે. આથી કાનૂની વિવાદો અને કેસો પણ ઘટી જશે.
રિફંડ માટે સિંગલ અૉથોરિટી હશે તો નિકાસકારોનો મોટો બોજો હળવો થઈ જશે. આથી વધુ યુનિફોર્મિટી આવશે અને કાનૂની કેસો ઘટશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer