ચોમાસાની વિદાયને હજી વાર છે

ખરીફ પાકને જીવનદાન, રવી પાક સારો થશે
એજન્સીસ
નવી દિલ્હી, તા. 10 સપ્ટે.
ફરી એક વખત નૈઋત્ય ચોમાસાની વિદાય લંબાતા, શક્યતા છે કે વરસાદ રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં જોર પકડશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરથી રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાતું હોય છે પરંતુ હવામાન ખાતાના અધિકારીનું કહેવું છે કે ગયા વર્ષની જેમ આ વખતે પણ સપ્ટેમ્બરના પહેલા પખવાડિયા પછી પાછું ખેંચાશે. અધિકારીએ ઉમેર્યું કે આ રવી પાક માટે સારા સંકેત છે કારણ કે ચોમાસું વધુ સમય રહેવાથી માટીમાં ભેજ પૂરતાં પ્રમાણમાં રહેશે.
નૈઋત્ય ચોમાસાની શરૂઆત આ વર્ષે મોડેથી થઈ હતી અને જૂન અંત સુધીમાં સામાન્ય કરતાં 33 ટકા ઓછો વરસાદ હતો, જોકે, સમય જતાં નોંધપાત્ર વરસાદ થવાથી 9 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 792 મિલિમીટર્સ વરસાદ થયો હતો, જે સામાન્ય કરતાં 3 ટકા વધુ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં નબળી કામગીરી બાદ નૈઋત્ય ચોમાસું સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં 2014 બાદ સૌથી સારું રહ્યું હતું. વરસાદમાં રિકવરી થતાં દુકાળની ચિંતા ઘટવાની સાથે ખરીફ પાકને પણ ટેકો મળ્યો છે, જે જૂન અંતમાં 25 ટકા ઓછો હતો. અત્યાર સુધીમાં નૈઋત્ય ચોમાસું 36 હવામાન ઉપવિભાગમાંથી 28માં સામાન્ય રહ્યું છે.
6 સપ્ટેમ્બર, 2019 સુધીમાં ખરીફ વાવેતર 10.29 કરોડ હેક્ટરમાં થયું છે, જે પાંચ વર્ષની સરેરાશ કરતાં સાત લાખ હેક્ટર વધુ પરંતુ ગયા વર્ષની સરખામણીએ છ લાખ હેક્ટર ઓછું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer