નર્મદાને કાંઠે 40 ગામોને ઍલર્ટ

નર્મદાને કાંઠે 40 ગામોને ઍલર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 10 સપ્ટે.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં 6.5 લાખ ક્યૂસેક પાણીને કારણે આજે સવારે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 30 ફૂટે પહોંચી ગઇ હતી. નર્મદા નદી કાંઠા અને આલિયાબેટ પરથી અત્યાર સુધીમાં 1500 જેટલા લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. 
મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી નર્મદા ડેમમાં 7.12 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. અને નર્મદા ડેમના 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 6.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આજે બપોરે 3 વાગે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 136.50 મીટર ઉપર પહોંચી ગઇ છે અને નર્મદા નદીના કાંઠા વિસ્તારના 40થી વધુ ગામોને એલર્ટ કરાયાં છે. નર્મદા ડેમમાં હાલ 5045 ળભળ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા નદીનો જળસ્તર વધતાં ભરૂચ આસપાસના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે અને ઘણાં વર્ષો પછી ભરૂચના ફુરજા બંદરમાં નર્મદા નદીનાં પાણી ઘૂસી ગયાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer