સાઉદીમાં નવા નિયમોથી મોરબીની સિરામિકની નિકાસને ફટકો પડશે

સાઉદીમાં નવા નિયમોથી મોરબીની સિરામિકની નિકાસને ફટકો પડશે
સાબેર સર્ટિફિકેશનવાળી ફેક્ટરી જ નિકાસ કરી શકશે : ઉત્પાદનમાં મુકાયો કાપ
અમારા પ્રતિનિધિ તરફથી
મોરબી, તા.10 સપ્ટે.
રિયલ્ટી ક્ષેત્રની મંદી અને નિકાસમાં પણ સાઉદી અરેબિયામાં નવી ક્વોલિટી સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન સિસ્ટમના અમલને લીધે મોરબીની સિરામિક પ્રોડક્ટસની નિકાસને અસર થઇ છે. સિરામિક ઉદ્યોગના અગ્રણીઓનું કહેવું છેકે, નબળી માગ અને નિકાસને ધક્કો લાગતા ઉત્પાદન 25થી 30 ટકા ઘટી ગયું છે.
રિયલ્ટી ક્ષેત્રમાં રિસેશન જેવી સ્થિતિ છે. એ કારણે મોરબીના મોટાંભાગના ઉત્પાદકો ક્ષમતા કરતા ઓછાં ઉત્પાદનની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સાઉદી અરેબિયાએ નવી સિસ્ટમ ક્વોલિટી સર્ટિફિકેશન માટે દાખલ કરી છે. ત્યાં આયાતના નિયમો મુશ્કેલ થઇ જતા હવે ઉત્પાદકોને નવા સર્ટિ મેળવવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. સાઉદી અરેબિયામાં કોઇ સિરામિકની આયાત કરવા ઇચ્છતું હોય તો તેણે કૉમ્પ્યુટર સિસ્ટમમાં અૉનલાઇન સર્ટિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 
સિરામિક ઉત્પાદકો કહે છે, પ્રક્રિયા એક જ વખત કરવાની છે પણ ખૂબ લાંબી છે. ઉત્પાદનની પ્રત્યેક પ્રક્રિયાને લગતા કાગળો તૈયાર કરીને ફેક્ટરીએ લાવવા પડે છે. એ ઉપરાંત ઉત્પાદન થતું હોય તે કારખાનાની સગવડોનું ઓડિટ પણ એ માટે કરવું પડે છે. સાઉદીમાં નિકાસ કરવા ઇચ્છતા હોય તે લોકોને જ આ નિયમ લાગુ પડે છે. પરિણામે નિકાસકારો ત્યાં માલ મોકલવાનું ટાળી રહ્યા છે.
સર્ટિફિકેશનની આ પ્રક્રિયાને સાબેર સર્ટિફિકેટ કહેવામાં આવે છે. 14 સપ્ટેમ્બર પછી આ સર્ટિફિકેટ વિના નિકાસ નહીં કરી શકાય. મોરબીના મોટાંભાગના નિકાસકારોએ આ સર્ટિ મેળવ્યું નથી એટલે નિકાસ ઘટવાની છે. એ કારણે ઉત્પાદનમાં  ઘટાડો કરવામાં આવ્યો છે.
મોરબી સિરામિક ઉદ્યોગની નિકાસ વર્ષે રૂા.12 હજાર કરોડ જેટલી થાય  છે. એમાંથી 30 ટકા માલ સાઉદી અરેબિયા મોકલવામાં આવે છે એમ સિરામિક ઍસોસિયેશનનું કહેવું છે. સ્થાનિક વેચાણને એટલો ફટકે પડયો નથી જેટલો નિકાસને પડવાનો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer