સોના-ચાંદીમાં ઝંઝાવાતી તેજી પછી ટૂંકાગાળાનો ઘટાડો

સોના-ચાંદીમાં ઝંઝાવાતી તેજી પછી ટૂંકાગાળાનો ઘટાડો
મુંબઈ, તા. 10 સપ્ટે.
સોના અને ચાંદીમાં ઝંઝાવાતી તેજી બાદ પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો છે, જે હજી થોડો સમય ચાલવાની ધારણા છે. સ્થાનિક બજારમાં હાજર ચાંદી ગત સપ્તાહના કિલોદીઠ રૂા. 49675થી 5.4 ટકા ઘટીને શુક્રવારે રૂા. 46980 બોલાઈ હતી. સ્ટાન્ડર્ડ સોનું 10 ગ્રામ દીઠ રૂા. 808 અથવા 2.1 ટકા ઘટીને રૂા. 38189 બંધ રહ્યું હતું.
મલ્ટિ કૉમોડિટી એક્સચેંજ પર સોનું અૉક્ટોબર વાયદો રૂા. 38428 અને ચાંદી ડિસેમ્બર વાયદો રૂા. 47860 બંધ રહ્યો હતો.
અમેરિકામાં ગત સપ્તાહે સોના અને ચાંદીમાં તીવ્ર પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો હતો. ચાંદી ઝડપભેર વધી હોવાથી તેમાં ઘટાડો પણ મોટો હતો. એડીપી (અૉટોમેટિક ડેટા પ્રોસેસિંગ) દ્વારા બહાર પડાયેલા અમેરિકાના બિનકૃષિ ખાનગી રોજગારીના આંકડા મજબૂત આવતાં કીમતી ધાતુઓમાં જોરદાર નફારૂપી વેચવાલી નીકળી હતી. ચીન અને અમેરિકા વેપાર સંઘર્ષનો નિવેડો લાવવા વાતચીત શરૂ કરશે એવો નિર્દેશોને પગલે શૅરબજારોમાં ઉછાળો આવતાં સોના-ચાંદીમાં આકર્ષણ ઘટયું હતું. સોના-ચાંદીના ભાવો ટૂંકા ગાળાની ઊંચાઈઓ પાર કરવામાં નિષ્ફળ જવાથી ઊંચા ભાવે દાખલ થયેલા સટોડિયાઓએ ગભરાટમાં લેણો ખંખેરી નાખ્યાં હતાં.
અમેરિકામાં દસ વર્ષના બોન્ડ પરનું વળતર વધીને બે વર્ષના બોન્ડના વળતર કરતા ઊંચું જવાથી વળતરની અસામાન્યતા દૂર થઈ હતી અને અનિશ્ચિતતાની ચિંતા ઘટતાં સોના અને ચાંદીમાં ઝડપી ઘટાડો આવ્યો હતો. હવે સોનું ઘટીને ઔંસ દીઠ 1480 ડૉલર અને ચાંદી 18 ડૉલર થવાની ધારણા રખાય છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બંને કીમતી ધાતુઓ નરમ રહી હતી. પરંતુ નીચા ભાવે પણ હજી નવી ખરીદી નીકળી 
નથી. ઝવેરીઓ આશા રાખે છે કે ગ્રાહકો ઊંચા ભાવની વાસ્તવિકતા સ્વીકારીને બજારમાં ફરશે. આ સપ્તાહે શ્રાદ્ધ પક્ષ શરૂ થતો હોવાથી સોનાની ખરીદી મંદ રહેવાની સંભાવના છે.
જોકે, પોપલી ગ્રુપના એમડી રાજીવ પોપલીએ કહ્યું કે તેમને ભાવ બહુ ઘટવાની શક્યતા દેખાતી નથી. `40,000ની સપાટી ગ્રાહકો માટે આંચકા સમાન હતી. પરંતુ એકવાર એ પસાર થઈ જાય પછી ઘરાકી નીકળશે. ગ્રાહકો હંમેશા તેજીમાં ખરીદી કરે છે. રૂપિયો ઘટતો અટકે એમ લાગતું નથી તેથી દિવાળીમાં અમને રૂા. 42000નો ભાવ દેખાય છે.'
આંતરરાષ્ટ્રીય બજારોમાં સેન્ટિમેન્ટ બદલાતાં એમસીએક્સ પર ક્રૂલતેલના ભાવમાં પણ ઘટાડો જોવાયો હતો. મોટા ભાગની ધાતુઓ પણ એક બે ટકા ઢીલી પડી હતી. જોકે, વેપાર યુદ્ધની ચિંતાને લઈ ધાતુઓમાં સુધારો આવવાની ધારણા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer