ઈન્ડોનેશિયાનો નિકલ ઓર નિકાસ પ્રતિબંધ

ઈન્ડોનેશિયાનો નિકલ ઓર નિકાસ પ્રતિબંધ
ભાવ પાંચ વર્ષની ઊંચાઈથી પાછા ફર્યા    
એલએમઈ વેરહાઉસમાં વિશ્વની માત્ર બે મહિનાની માગ જેટલો જ 1.5 લાખ ટન નિકલ જથ્થો 
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 10 સપ્ટે.
ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધના કારણે અનેક કૉમોડિટીને મંદીનો સામનો કરવાની ફરજ પડી છે, પણ ઈન્ડોનેશિયાએ નિકલ ઓર (કાચી ધાતુ) નિકાસ પર પ્રતિબંધ મુકતા તે મંદીમાંથી નીકળી છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 43.75 ટકા પ્રીંગની જેમ ઉછળી છે. ઈન્ડોનેશિયાએ ઓર નિકાસનો બે વર્ષ પછી નીર્ધારેલો પ્રતિબંધ, એકાએક પાછો ખેંચી લેતા મેટલ બજારને આશ્ચર્યમાં મૂકી દીધી છે. જોકે, મેટલ એનાલિસ્ટ વુડ મેકેનજી કહે છે કે 2019માં આ પ્રતિબંધની કોઈ અસર થવાની નથી. નિકાસ પ્રતિબંધને કારણે 2020મા માત્ર 16000 ટન જાગતિક પુરવઠામાં ખાધ થશે, 2021માં 1.9 લાખ ટન, 2022મા 1.12 લાખ ટન અને 2024 પછી તેની અસર 85000 ટન જેટલી થશે. 
ફિલિપાઈન્સ પછી વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટો દેશ નિકલ ઓર નિકાસકાર તરીકે ઇન્ડોનેશિયા છે. ઈન્ડોનેશિયાની મહત્તમ નિકાસ, ચીનમાં રિફાઈન્ડ નિકલનાં સસ્તા વિકલ્પ તરીકે નિકલ પીગ આયર્નના પ્રોસાસિંગ માટે થાય છે. આટલું અધૂરું હોય તેમ બજારમાં એક એવી પણ અફવા આવી હતી કે ફિલિપાઈન્સની એસઆર લાન્ગ્યાંગ માઈનિંગ કોર્પોરેશનની ખાણની નિકલ ડીપોઝીટ હવે નબળી પડી હોવાથી આ વર્ષાંતે તેને બંધ કરી દેવામાં આવશે. એસઆર લાન્ગ્યાંગ અત્યારે માસિક 4 લાખ ટન નિકલ ઓર નિકાસ કરે છે. જો ખાણ બંધ પડી જાય તો વૈશ્વિક બજારમાંથી આટલો પુરવઠો ઓછો થઇ જશે. 
અલબત્ત, ઇન્ડોનેશિયા અને એસઆર લાન્ગ્યાંગની જે કઈ ખાધ નિર્માણ થશે, તેને સરભર કરવા ફિલિપાઈન્સની અન્ય ખાણોએ આગામી વર્ષથી ઉત્પાદન વધારવાની યોજના બનાવી છે. 2018મા પ્રાયમરી નિકલનું વૈશ્વિક ઉત્પાદન 21.8 લાખ ટન થયું હતું, જે વધીને આ વર્ષે 23.8 લાખ ટન થવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ નિકલ સ્ટડી ગ્રુપના અનુમાન મુજબ ગતવર્ષે બજારમાં 1.45 લાખ ટન પુરવઠા ખાધ હતી, જે આ વર્ષે ઘટીને 84000 ટન રહેશે. જો ઈન્ડોનેશિયાનાં નિકાસ પ્રતિબંધને ધ્યાનમાં લઈએ તો આગામી વર્ષે જાગતિક સપ્લાયમાંથી 10 ટકા નિકલ નીકળી જવાનો ભય વ્યકત કરવામાં આવ્યો છે. 
આ બધા પુરવઠા ઘટાડાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે જુલાઈમાં લંડન મેટલ એક્સચેન્જના વેરહાઉસોમાં, વિશ્વની માત્ર બે મહિનાની માગને પહોચી શકે તેટલો જ 1.5 લાખ ટન નિકલ જથ્થો પુરાંતમાં હતો. દરમિયાન વધી રહેલી સ્ટીલ માગ અને ઈલેક્ટ્રીકલ વાહનોના યુગારંભ સાથે જ નિકલની તેજીને વધુ ટેકો સાંપડ્યો છે. 
છેલ્લા કેટલાંક મહિનાથી બજારમાંથી નિકલ પુરવઠો વેગથી ઘટશે, એવા એવા અહેવાલ પાછળ જાન્યુઆરીમાં જોવાયેલી વાર્ષિક બોટમ 10,532 ડૉલરથી ભાવ ઝડપથી ઊંચકાયા છે. ઇન્ડોનેશિયા નિકલ ઓર નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાનાં સમાચાર આવ્યા પછી બુધવારે એક તબક્કે એલએમઈ ત્રિમાસિક નિકલ વાયદો 18,842 ડૉલર પાંચ વર્ષની ઊંચાઈએ પહોચી, શુક્રવારે 15559 ડૉલર મૂકાયો હતો. હવે જ્યારે સંપૂર્ણ નિકાસ પ્રતિબંધની સત્તાવાર જાહેરાત આવી ગઈ છે, ત્યારે તે ઉદ્યોગ માટે આંચકારૂપ ઘટના ગણાશે. ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધ પછી, મોટા વપરાશકાર ગ્રાહકો માટે પુરવઠો મેળવવો મુશ્કેલ થઇ જશે, એમ કહીને ગોલ્ડમેન સાસનાં એનાલિસ્ટે આગામી બાર મહિના માટે નિકલ ભાવની આગાહી 22000 ડૉલર મૂકી હતી. બરાબર આ જ સમયે ઇન્ડોનેશિયાનાં પ્રમુખ જોકોવીએ કહ્યું હતું કે અમે અમારા દેશમાં જ ઈલેક્ટ્રીકલ વ્હિકલ અને તેના મહત્ત્વના કાચા માલો ઉદ્યોગો માટે ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer