જીએમ તેલીબિયાં સામે ખેડૂત સંગઠનનો ઉગ્ર વિરોધ

જીએમ તેલીબિયાં સામે ખેડૂત સંગઠનનો ઉગ્ર વિરોધ
મુંબઈ, તા. 10 સપ્ટે.
ખેતીવાડીમાં ખાસ કરીને તેલીબિયાંમાં જેનેટિકલી મોડીફાઇડ (જીએમ) બિયારણને મંજૂરી આપવા સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગત સપ્તાહે સંઘનું એક પ્રતિનિધિમંડળે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને જણાવ્યું હતું કે જીએમ બિયારણથી રાયડા-સરસવનું ઉત્પાદન વધતું ન હોવાથી તેને મંજૂરી આપવાની જરૂર નથી.
દેશમાં તેલીબિયાની ઊપજ વધારવા માટે વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોની એક ઉચ્ચ સત્તાધારી સમિતિ વિવિધ ઉપાયોની વિચારણા કરી રહી છે ત્યારે ભારતીય કિસાન સંઘે ફરી એક વાર જીએમ બિયારણ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
ભારતીય કિસાન સંઘના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કુલકર્ણીએ કહ્યું કે જીએમ પાકની પર્યાવરણીય તેમ જ આર્થિક-સામાજિક અસરોનો વધુ ઊંડાણથી અભ્યાસ થવો ઘટે.
આ બિયારણની અસરોનો તલસ્પર્શી અભ્યાસ કરવો જરૂરી છે, પરંતુ એમ કરવાને બદલે કાચા, ચકાસ્યા વગરના આંકડા અને માહિતી વિજ્ઞાનીઓને પહોંચાડવામાં આવે છે તેની સામે અમારો વિરોધ કરે છે.
તેલીબિયાં પૈકી વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને રાયડા-સરસવની જીએમ જાત અહીં પેસાડવામાં વધારે રસ છે, કારણ કે તેનો પુષ્કળ વપરાશ થાય છે. કપાસમાં જેમ ગુલાબી ઇયળ તેમ રાયડા-સરસવમાં ડાયમંડ બ્લેક મોથ નામની જીવાતનો ઉપદ્રવ વ્યાપક છે, જે રાસાયણિક જંતુનાશકોને દાદ દેતી નથી. તેનો ભય દૂર કરવા જીએમ બિયારણની શક્યતા તપાસાઈ રહી છે.
ભારતીય કિસાન સંઘે મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે રાયડા-સરસવનું ઉત્પાદન વધારવામાં જીએમ બિયારણની અસરકારકતા વિશે વૈજ્ઞાનિકોમાં મતભેદ છે, જે વિજ્ઞાનીઓએ જીએમ સરસવ પર કામ કર્યું છે તેમણે કદી ચડિયાતી ઊપજનો દાવો કર્યો નથી. તેમનું સંશોધન હાલની ઉછેર પદ્ધતિઓને સુધારવા પર અને જંતુનાશકને સહન કરી શકે તેવાં જીન્સ બિયારણમાં દાખલ કરવા પર કેન્દ્રિત થયેલું હતું. વિજ્ઞાનીઓએ ધ્યાન દોર્યું  છે કે રાયડા-સરસવના વિકાસમાં મધમાખીઓ મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ જીએમ સરસવના પાકમાં જંતુનાશકો પુષ્કળ પ્રમાણમાં છાંટવામાં આવે છે તેથી મધમાખીઓ નાશ પામે છે અને સરસવ જ નહીં, અન્ય પાકને પણ માઠી અસર થાય છે.
સંઘની નોંધ જણાવે છે તેલીબિયાં વિશે લાંબા ગાળાની નીતિ ઘડવી જરૂરી છે. આજે તો એક તરફ તેલીબિયાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાય છે અને બીજી બાજુ પામતેલની ધૂમ આયાત થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer