આઈએમએફ પાકિસ્તાનને બજેટની ખાધ ઘટાડતાં શીખવશે

આઈએમએફ પાકિસ્તાનને બજેટની ખાધ ઘટાડતાં શીખવશે
ઇસ્લામાબાદ, તા. 10 સપ્ટે.
પાકિસ્તાનને બજેટ ખાધ ઘટાડવા વિશે સલાહસૂચન આપવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડ (આઈએમએફ) તેની ટીમ આ મહિને પાકિસ્તાન મોકલનાર છે.
આઈએમએફએ જુલાઈ મહિનામાં પાકિસ્તાનને 6 અબજ ડૉલરની લોન મંજૂર કરી હતી. ભારે નાણાભીડ અને બજેટ તથા નબળા અને અસમતોલ વિકાસને લીધે પાકિસ્તાન ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે.
આઈએમએફની ટીમ 16-20 સપ્ટેમ્બર દરમિયાન પાકિસ્તાન જઈને ખાસ કરીને બજેટની પ્રાથમિક ખાધ ઘટાડવા સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે, એમ આઈએમએફના પાકિસ્તાન ખાતેના નિવાસી પ્રમુખ ટેરેસા સાન્ચેઝે જણાવ્યું હતું.
પાકિસ્તાનની કથળતી જતી આર્થિક હાલતના સંદર્ભમાં આઈએમએફએ પોતાના નિષ્ણાતોની ટીમ ત્યાં મોકલવાનો નિર્ણય લીધો હતો. આ ટીમ સંભવત: મોહરમ બાદ 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન જશે અને દસેક દિવસ રહેશે, એમ ન્યૂઝ ઇન્ટરનેશનલનો અહેવાલ જણાવે છે.
આઈએમએફ દ્વારા પાકિસ્તાનની પરિસ્થિતિની સમીક્ષા આમ તો નવેમ્બરમાં કરાવાની હતી, પરંતુ તેણે તુરંતમાં જ ટીમ મોકલવાનો નિર્ણય લીધો તેના પરથી જણાય છે કે આઈએમએફ પાકિસ્તાનની વધતી જતી બજેટ ખાધથી નાખુશ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer