કપાસનું વાવેતર છ ટકા વધ્યું, પાક 20 ટકા વધશે

કપાસનું વાવેતર છ ટકા વધ્યું, પાક 20 ટકા વધશે
ભારતમાં રૂના ઊંચા ભાવને લીધે કોટન યાર્નની નિકાસમાં ગાબડાં 
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 10 સપ્ટે.
અમેરિકા અને ચીને ટ્રેડ વૉર ટેરિફના દારૂગોળા ફોડ્યા, પછી કોમોડિટી કોમ્પ્લેક્સમાં ખાસ કરીને રૂ બજારમાં નકારાત્મકતા સર્જાઈ હતી. રૂની માગ સાવ નબળી પડી ગઈ છે, ત્યારે રોકાણકારોનું સેન્ટીમેન્ટ પણ તળિયે બેસી ગયું છે. બજાર અત્યારે જી-7ના અંતે વેપાર ક્ષેત્રે કેવાંક વમળો સર્જાય છે, તેના પર નજર રાખીને બેઠી છે. યુએસ ચીન ટ્રેડ વોરને લીધે માગ નબળી પડતાં આ વર્ષે અત્યાર સુધીમાં રૂના ભાવ 21 ટકા ઘટી ગયા છે. 
સોમવારે આઈસીઈ ન્યૂયોર્ક રૂ વાયદો 1 ફેબ્રુઆરી 2016ના તળિયે 56.59 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) બોલાયા પછી, મંદીવાળાએ થોડા શોર્ટ કવરિંગ સાથે નફો બુક કરતાં, ભાવ બુધવારે વધી 58.82 સેન્ટ થયા હતા. જગતના સૌથી મોટા નિકાસકાર અમેરિકામાં રૂ પાક બાબતે થોડી ચિંતા નિર્માણ થઇ છે, સૂકાં હવામાનને લીધે સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ટેક્સાસમાં વાવેતરના સંયોગો નબળા પડ્યા છે. અમેરિકન કૃષિ મંત્રાલયના 25 ઓગસ્ટ સુધીના આંકડા કહે છે કે પાક, અગાઉના સપ્તાહની 49 ટકાની તુલનાએ 43 ટકા ગુડથી એક્સેલંટ હતો. 
આમછતાં, એકલું ટેક્સાસ રાજ્ય જે કુલ અમેરિકન પાકમાં 37 ટકાનો હિસ્સો આપે છે તેના ઉત્પાદનનો અંદાજ, ગત મોસમના 68.8 લાખ ગાંસડી (પ્રત્યેક 218 કિલો) સામે 84.3 લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. જો આ સાચું પડશે, તો યુએસડીએ દ્વારા રજૂ કરતા રૂ ઉત્પાદનના વૈશ્વિક આંકડા પણ ઊંચા આવશે. ભારતમાં પણ ખાસ કરીને મધ્ય ભારતનાં રાજ્યોમાં કપાસ અને સોયાબીનને આ વર્ષના ખરીફ પાક માટે વધુ જમીન ફાળવાઈ છે. ભારતના કૃષિ મંત્રાલયના શુક્રવાર સુધીના આંકડા કહે છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તેલંગણા રાજ્યમાં વધુ જમીન ફાળવાતાં કપાસ વાવેતર ગતવર્ષના સમાનગાળાના 117 લાખ હેક્ટર કરતાં 6 ટકા વધીને 124 લાખ હેકટરમાં થયું છે.
પ્રોત્સાહક ચોમાસું, વધુ વાવેતર, પાકની સારી માવજત અને ઊંચું યીલ્ડ, આ બધાનો સરવાળો ભારતીય રૂના પાકમાં 20થી 25 ટકાની વૃદ્ધિ દાખવશે, એમ ટ્રેડરોનું માનવું છે. જો ઊભા પાકની તંદુરસ્તી જોઈએ તો કહી શકાય કે રૂ વાવેતર વિસ્તારમાં હવામાન ખૂબ જ અનુકૂળ થઇ ગયું છે, એમ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર કોટન રીસર્ચનો અહેવાલ કહે છે. પાકની લણણી સુધી આવું જ વાતાવરણ જળવાઈ રહેશે તો પાકનો આખરી અંદાજ 400 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિલો) પહોંચી જાય તો નવાઈ નહિ ગણાય. 
ગત મહિને કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ રૂ વાવેતર રાજ્યોમાં નબળા ચોમાસાને ટાંકીને ઓક્ટોબર 2018થી શરૂ થયેલી વર્તમાન રૂ મોસમ માટે ઉત્પાદનનો અંદાજ સુધારીને 312 લાખ ગાંસડી મૂક્યો હતો. ગતવર્ષે ઉત્પાદન 365 લાખ ગાંસડી આવ્યું હતું. રાટિંગ એજન્સી ઇકરાએ અસંખ્ય કારણો દર્શાવીને ભારતીય કોટન યાર્નની નિકાસમાં ધરખમ ગાબડાં પડ્યાંનું કહ્યું હતું. આ માટેનું મુખ્ય કારણ ભારતમાં રૂના ભાવ વિદેશ કરતાં ખૂબ વધુ હોવાનું દાખવ્યું હતું. જાગતિક બજારમાં છેલ્લા એક વર્ષમાં રૂના ભાવ 30 ટકા ઘટયા છે, તેની તુલનાએ સ્થાનિક બજારમાં નજીવો ભાવ ઘટાડો થયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer