લાસલગાંવ મંડીમાં કાંદાના ભાવ 20 મહિનાની ટોચ ઉપર

લાસલગાંવ મંડીમાં કાંદાના ભાવ 20 મહિનાની ટોચ ઉપર
નાશિક, તા. 10 સપ્ટે.:
લાસલગાંવ એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)માં કાંદાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 2500 એટલે કે 20 મહિનાની ટોચે પહોંચ્યો છે. કાંદાના ભાવમાં પાછલી ટોચ 29મી જાન્યુઆરી, 2018ના રોજ રૂા. 2450 પ્રતિ ક્વિન્ટલે જોવા મળી હતી. એપીએમસીના અધિકારીએ જણાવ્યું કે પુરવઠા કરતાં માંગ ઊંચી હોવાથી કાંદાના સરેરાશ જથ્થાબંધ ભાવમાં તેજીનો ટોન જોવા મળ્યો છે.
મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં કાંદાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતાં રાજ્યોથી આવતો પુરવઠો ઘટયો હોવાથી ભાવમાં વધારો નોંધાયો છે. ઉપરાંત વરસાદને કારણે જથ્થાબંધ બજારોમાં કાંદાની આવક ઓછી થઈ છે. વરસાદને કારણે જે ખેડૂતોએ કાંદાનો સંગ્રહ કરી રાખ્યો છે, તે બજારમાં લાવતા નથી. 
આ સપ્તાહના પ્રારંભે લાસલગાંવમાં કાંદાના મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ 2650 અને લઘુતમ ભાવ રૂા. 1000 હતા. સોમવારે લાસલગાંવ એપીએમસીમાં 12,000 ક્વિન્ટલ કાંદાની હરાજી થઈ હતી. આગામી દિવસોમાં જથ્થાબંધ સરેરાશ ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 2700 થવાની ધારણા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer