ભારતની ચોખાની નિકાસમાં 26.5 ટકાનો ઘટાડો

ભારતની ચોખાની નિકાસમાં 26.5 ટકાનો ઘટાડો
એશિયાના દેશોની સ્પર્ધા અને આફ્રિકાની માગમાં ઘટાડાની અસર 
કલ્પેશ શેઠ 
મુંબઇ, તા. 10 સપ્ટે.
આફ્રિકન દેશોની માગ ઘટવાના કારણે અને વૈશ્વિક બજારમાં પેરીટીના અભાવે એપ્રિલ-19 થી જુલાઇ-19ના સમયગાળામાં ભારતની ચોખાની નિકાસમાં ગત વર્ષના આજ સમયગાળાની તુલનાએ 26.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ચાર મહિનામાં દેશની ચોખાની નિકાસ ઘટીને 31.4 લાખ ટને પહોંચી છે. વર્ષ 2018માં ભારતે 7.4 અબજ ડૉલરના ચોખાની નિકાસ કરી હતી. 
સામાન્ય રીતે ચોખાની નિકાસમાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહેતા ભારતનો કુલ વૈશ્વિક નિકાસમાં હિસ્સો 30 ટકાથી વધારે રહેતો હોય છે. વર્ષ 2018માં પણ ભારતનો હિસ્સો 30.1 ટકા જેટલો રહ્યો હતો. પરંતુ આ વખતે દેશની ચોખાની નિકાસમાં ઘટાડો થવાની ભીતી સેવાઇ રહી છે. કેન્દ્ર સરકારની કૃષિ સંસ્થા એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ અૉથોરિટી (એપિડા)ના આંકડા બોલે છે કે છેલ્લા ચાર માસમાં દેશના નોન-બાસમતી ચોખાની નિકાસ 37 ટકા જેટલી ઘટીને 17 લાખ ટન થઇ ગઇ છે. જેના પરિણામે  ભારતની ચોખાની નિકાસ આ વર્ષે છેલ્લાં સાત વર્ષના તળિયે જઇ શકે છે. આવા નિકાસકારોને સરકાર તરફથી નિકાસ પ્રોત્સાહનની જરૂરયાત મહેસૂસ થઇ રહી છે.      
વૈશ્વિક બજારમાં ચોખાની નિકાસમાં વર્ષ 2018માં ભારત પ્રથમ ક્રમાકે રહ્યું હતું. જ્યારે બીજા ક્રમાંકે 22.7 ટકા હિસ્સા સાથે કુલ 5.6 અબજ ડૉલરની નિકાસ કરીને થાઇલેન્ડ બીજા ક્રમાંકે રહ્યું હતું. જ્યારે વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકા અનુક્રમે ત્રીજા, ચોથા તથા પાંચમા સ્થાને રહ્યા હતા.  જો કુલ વૈશ્વિક વેપાર 24.5 અબજ ડૉલરનો માનીએ તો તેમાં છેલ્લા ત્રણ ત્રિમાસિકમાં એશિયન દેશોનો હિસ્સો 77.8 ટકા રહ્યો છે. જેની કિંમત આશરે 19.1 અબજ ડૉલર થાય છે. આપણી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે ટેકાના ભાવ વધારે તે માની શકાય એમ છે. પણ સાથે જ સરકારે વિદેશી હુંડિયામણ રળી આપતી કૃષિપેદાશો માટે પણ રણનીતિ બનાવવાની આવશ્યકતા છે. સ્થાનિક બજારમાં ટેકાના ભાવ વધવાના કારણે ખેડૂતો ઊંચા ભાવ ન મળે ત્યારે સરકારી સંસ્થાઓને માલ વેચે તે સ્વાભાવિક છે. પરિણામે વેપારીઓને ઊંચા ભાવે ખરીદી કરવી પડે જેની અસર તેમના નિકાસ ભાવ પર પડે છે અને વૈશ્વિક મંચ પર વેપાર કરવામાં પેરિટી બેસતી નથી. 
વૈશ્વિક બજારમાં ચોખાની નિકાસ કરતા ટોપ 10 દેશોમાંથી છ એશિયાના છે. જેથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટાડીને ભારતીય નિકાસકારો ભાવ બહુ ઓછા ક્વોટ કરી શકે નહીં. આવા સંજોગોમાં ભારતને પોતાની લોકપ્રિય બાસમતીની નિકાસ ઉપર વધારે ધ્યાન આપવાનું રહેશે. અત્રે ખાસ નોંધનીય છે કે છેલ્લાં પાંચેક વર્ષમાં ચીનની ચોખાની નિકાસમાં 134 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં ચીનની નિકાસ વધવાથી મ્યાનમારને ફટકો પડ્યો છે કે કારણકે તેની નિકાસ 46 ટકા જેટલી ઘટી છે. પરંતુ જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ભારતની માર્કેટને પણ વિપરીત અસર પડી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer