શૅરબજારમાં ટૂંકા ગાળાના સુધારા પછીનો ટ્રેન્ડ હજુ અનિશ્ચિત

શૅરબજારમાં ટૂંકા ગાળાના સુધારા પછીનો ટ્રેન્ડ હજુ અનિશ્ચિત
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 10 સપ્ટે.
શૅરબજારમાં અત્યારે ટૂંકા ગાળા માટેનો સુધારાનો ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે 9 સપ્ટેમ્બર (સોમવારે) અઠવાડિક ધોરણે 10900ના કોલ વાયદામાં ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન 3.03 લાખ શૅરના ઘટાડા સાથે 8.82 લાખ શૅર નોંધાઈ હતી. બજારમાં નિફ્ટી દૈનિક ધોરણે 11003 બંધ હતો. તેથી ટેક્નિકલી મુખ્ય પ્રતિકાર સપાટી 11050 અને 11100 
ગણી શકાય.
એક્સિસ સિક્યોરિટીઝના (ડેરીવેટીવ્ઝ) વડા અમિત ગુપ્તાએ જણાવ્યું છે કે 11100 પાર થયા પછી 11200ની  સપાટી અતિશય કટોકટીની છે.
અત્યારે નજીકના સમય દરમિયાન કોલ ઓપ્શનમાં વેચનારાઓ તેમના વેચાણો સરખાં કરી રહ્યા હોવાથી બજારમાં સુધારો આવ્યો છે.
વાયદાની ટેક્નિકલ પોઝિશન સિવાય જોઈએ તો વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં પુન: મજબૂતી શરૂ થઈ છે. બેરલ દીઠ ભાવ 62 ડૉલર પાર થયા છે. ચીન અમેરિકાની ટ્રેડવોર બાબતે બંને દેશો આગામી મહિને પુન: વાટાઘાટોનો પ્રારંભ કરશે. બિનલોહ ધાતુના ભાવમાં પણ સુધારો થયો છે.
સંકેતો પ્રમાણે યુરોપની મધ્યસ્થ બૅન્કો અર્થતંત્ર સુધારવા માટે નાણાપ્રવાહિતા સાથે પ્રોત્સાહન લાવવા મજબૂર બની છે. તેથી વૈશ્વિક અર્થતંત્રની ઘટતી ગતિ સુધરશે એવો નવો આશાવાદ પેદા થયો છે. ભારત સરકાર દ્વારા બૅન્કોને વધુ મૂડી આપવાની જાહેરાત થઈ છે.
વાહન ઉદ્યોગ પરનો જીએસટી ઘટાડવા જીએસટી કાઉન્સિલમાં ચર્ચા કરાશે એવી જાહેરાતથી સોમવારે સ્થાનિક બજારમાં વાહન શૅરોમાં સુધારો જોવાયો છે. ભારત સરકાર આગામી પખવાડિયા દરમિયાન વધુ પ્રોત્સાહક નિર્ણયો જાહેર કરે તેની રાહ જોવાઈ રહી છે.
બીજી તરફ દેશનાં અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરના ધોધમાર વરસાદને લીધે પાણીની અછતની સમસ્યા કેટલાક અંશે ઘટી છે. કેટલાક જાણકારો શૅરબજારમાં ફર્ટિલાઇઝર, એફએમસીજી અને ખાદ્ય પ્રોડક્ટ ક્ષેત્રે સુધારની આશા દર્શાવે છે.
આમ છતાં મેક્રો ઇકોનોમિક આંકડાની સતત નબળાઈ, મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું હંગામી (0.6 વૃદ્ધિદર) પ્રદર્શન, ખાણ, કોલસા અને ક્રૂડ પ્રોડક્ટ ઉત્પાદનમાં ઘટાડો નિરાશાજનક રહેવાથી સમગ્ર રીતે 
સ્થાનિક બજારમાં કોઈ મોટી તેજીની આશા રાખવી મધ્યમગાળા માટે દિવાસ્વપ્ન સમાન ગણાશે.
જાણકારોના અનુમાન પ્રમાણે એફપીઆઈ પરનો વેરો હટાવ્યા છતાં સોમવારે પણ વિદેશી રોકાણકારો નેટ વેચવાલ રહ્યા હતા. જેથી સ્થાનિક સંસ્થાકીય લેવાલીના ટેકાથી બજારનો આંક 11003 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જેથી નિફ્ટીમાં 11200ની સપાટી પછી નવો ટ્રેન્ડ શું હશે, તે જ બજાર માટે સૌથી અગત્યની બાબત ગણાશે.
સપ્ટે.ના પહેલા અઠવાડિયામાં એફપીઆઈએ નાણાં પાછાં ખેંચ્યાં
સરકારે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ)માં સરચાર્જ લાદવાનો નિર્ણય પાછો ખેંચ્યો હોવા છતાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં એફપીઆઈએ ભારતીય મૂડી બજારમાંથી રૂા. 1263 કરોડ પાછા ખેંચ્યા હતા.
તાજેતરના આંકડા મુજબ એફપીઆઈએ ઇક્વિટીમાંથી રૂા. 4263.79 કરોડ પાછા ખેંચ્યા હતા, પરંતુ ડેબ્ટ સેગમેન્ટમાં ત્રણથી છ સપ્ટેમ્બર દરમિયાન રૂા. 3000.86 કરોડ ઉમેર્યા હતા. પાછલા બે મહિનાથી એફપીઆઈએ ચોખ્ખી વેચવાલી કરી છે.
અૉગસ્ટમાં રૂા. 5920.02 કરોડ અને જુલાઈમાં રૂા. 2985.88 કરોડ સ્થાનિક મૂડી બજારમાંથી પાછા ખેંચ્યા હતા. ગ્રોના સીઓઓ હરેશ જૈને કહ્યું કે, અમેરિકા-ચીન વેપારયુદ્ધની પ્રતિકૂળ અસર વૈશ્વિક રોકાણકારોનાં સેન્ટિમેન્ટ ઉપર થઈ રહી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ જાહેરાતમાં એફપીઆઈમાં ટૅક્સ સરચાર્જ વધારવાની જાહેરાત કરતા જુલાઈ-અૉગસ્ટમાં વિદેશી રોકાણકારોએ રૂા. 30,000 કરોડ પાછા ખેંચ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer