નબળા રહ્યા 100 દિવસ શૅરબજારના

નબળા રહ્યા 100 દિવસ શૅરબજારના
સેન્સેક્ષ 5.96 ટકા અને નિફ્ટી ફિફ્ટી 7.23 ટકા ઘટયો

મુંબઈ, તા. 10 સપ્ટે.
નરેન્દ્ર મોદી સરકારે 30 મે, 2019થી ર્કાયકાળ સંભાળ્યો તેના 100 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. 12.5 લાખ કરોડનું ધોવાણ થયું છે. ગઈ કાલના બંધ પ્રમાણે બીએસઈ ઉપર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વૅલ્યૂ રૂા. 1,41,15,316.39 કરોડ નોંધાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા તેના આગલા દિવસે માર્કેટ વૅલ્યૂ રૂા. 1,53,62,936.40 કરોડ નોંધાઈ હતી.
30 મેથી 100 દિવસમાં સેન્સેક્ષ 5.96 ટકા અથવા 2357 પૉઈન્ટ્સ અને એનએસઈ નિફ્ટી 50 ઈન્ડેક્સ 7.23 ટકા અથવા 858 પૉઈન્ટ્સ ઘટયો છે.
એનલિસ્ટ્સોએ કહ્યું કે વિદેશી ભંડોળ પાછું ખેંચાવાની સાથે 
ધીમી આર્થિક વૃદ્ધિ અને કૉર્પોરેટના નબળાં પરિણામો ઈક્વિટી બજારમાં ઘટાડાનાં મુખ્ય કારણો છે.
વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં ચોખ્ખા વેચવાલ રહ્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં વિદેશી રોકાણકારો ઉપર સુપર રિચ ટૅક્સ દાખલ કર્યો તેના પછી વેચવાલીનું દબાણ વધ્યું હતું.
જોકે, આ ટૅક્સ પાછો ખેંચાયો છે.નેશનલ સિક્યુરિટીઝ ડિપૉઝિટરી (એનએસડીએલ) દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે સરકાર રચાઈ ત્યાર પછીથી ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોએ રૂા. 28,260.50 કરોડના શૅર્સ વેચ્યા હતા. 
આઈડીબીઆઈ કૅપિટલના રિસર્ચ હેડ એ. કે. પ્રભાકરે કહ્યું કે, ``વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તેના ઘણા સમય પહેલાંથી બજારમાં મંદી શરૂ થઈ હતી.
ફેબ્રુઆરી 2018ના બજેટમાં લોન્ગ ટર્મ કૅપિટલ ગેઈન ટૅક્સ અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ દાખલ કરાયા તેને પરિણામે શૅરબજારમાં ઘટાડો શરૂ થયો હતો. આઈએલઍન્ડએફએસની કટોકટીએ બજારને ઘટવાનું બીજું કારણ આપ્યું હતું.''
પ્રભાકરે કહ્યું કે ઘણી મિડ અને સ્મોલકેપ કંપનીઓમાં મોટું ધોવાણ થયું છે અને તેનાં મૂલ્યાંકન 
ઘણાં સારાં છે. આઈએલઍન્ડએફએસની કટોકટીની બજાર ઉપર નોંધપાત્ર અસર થઈ હતી અને અહીંથી જ હવે રિકવરીની શરૂઆત થશે.
નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જે નિફ્ટી ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી સિવાયના તમામ ઈન્ડેક્સના વળતર તપાસ્યાં છે જે 100 દિવસમાં નકારાત્મક રહ્યાં છે. નિફ્ટી પીએસયુમાં 26 ટકાનો ઘટાડો થયો છે.
યુએસ અને ચીન વચ્ચે વેપારયુદ્ધ વધતાં મેટલ ઈન્ડેક્સ 20 ટકા ઘટયો છે. એનલિસ્ટ્સે કહ્યું કે એન્ટિ-ડમ્પિંગ ડયૂટી છતાં ચીન સસ્તા ભાવે સ્ટીલ વેચે છે જેની સ્થાનિક મેટલ કંપનીઓ ઉપર વિપરીત અસર થઈ રહી છે. 
અૉટો ઉદ્યોગમાં બે દાયકાની  સૌથી વધુ મંદી નોંધાઈ છે જેને કારણે અૉટો ઈન્ડેક્સ 13.48 ટકા ઘટયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer