ચાંદીમાં નવી તેજીનો સંકેત આપતો પ્રત્યાઘાતી ઘટાડો

ચાંદીમાં નવી તેજીનો સંકેત આપતો પ્રત્યાઘાતી ઘટાડો
ઘટ્યા ભાવે બાર્ગેન બાયર્સ અને રોકાણકારોએ ચાંદીમાં નવેસરથી લેણ શરૂ કર્યાં  
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 10 સપ્ટે.
 ગરીબોનું સોનું ગણાતી અને સટ્ટોડિયાઓને મનગમતી ચાંદી નક્કર તેજી તરફ આગળ વધી રહી છે. તાજેતરમાં `ઓવરબોટ' ચાંદી ખૂબ ઝડપથી વધી પણ લક્ષ્યાંકિત 20 ડોલર પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલાં છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા રોકાણકારોએ ચાંદીમાં લેણ વધારી દીધું છે. પાંચ સપ્ટેમ્બરે ચાંદી 19.75 ડોલરની ઉંચાઈએ પહોંચી નફારૂપી વેચવાલીમાં મંગળવારે ઘટીને 17.85 ડોલર થઇ હતી. આ સાથે આવા પ્રત્યાઘાતી ઘટાડા આવે તેનાથી રોકાણકારે મૂંઝાઈ જવાની જરૂર નથી. વાસ્તવમાં બજાર જ્યારે તેજીના રાહે ચાલતી હોય, ત્યારે આવા પુલબેક ઘટાડા નવા ઊંચા ભાવ માટે આવશ્યક હોય છે.   
આમ પણ ચાંદીમાં તેજી ખૂબ ઝડપથી આવી હતી, તેથી આવા ઘટાડા કે ઉછાળા બજારના સેન્ટીમેન્ટને વધુ તંદુરસ્ત બનાવતા હોય છે. આ તબક્કે 50 દિવસની માવિંગ એવરેજ આસપાસ બાયરોએ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભાવ 18 ડોલર આસપાસ નોંધાય ત્યારે રોકાણકારે બાર્ગેન બાઈંગની તક હાથવગી કરવી જોઈએ. લાંબાગાળે પ્રેસિયસ મેટલ્સમાં સતત ભાવવધારો જોવાતો રહેશે.  
ભાવ ઉંચે જવાની શક્યતા જોવાઈ રહી છે, સાથોસાથ આગામી ટૂંકાગાળામાં ઘણી બધી એવી  ઘટનાઓ બનશે, જે ભાવને નીચે પછાડવા માટે નિમિત્ત બની શકે છે. સોનાની તુલનાએ જોઈએ તો ચાંદી હજુ પણ સસ્તી છે. વર્તમાન માર્કેટ સિનારિયોમાં ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદીનો દર) સૂચવે છે કે ચાંદી સોનાની ચમકને ઝાંખી પાડી દેશે. 3 જુલાઈથી પાંચ સપ્ટેમ્બર સુધીના માત્ર બે જ મહિનામાં ચાંદીના ભાવ 35 ટકા જ્યારે સોનું 14 ટકા વધ્યા હતા. જો તમે એવું માનતા હો કે સોનું હજુ ખૂબ ઉંચે જશે તો, ગોલ્ડ/સિલ્વર રેશિયો જોતાં અહીંથી તમારા માટે વધુ સારી નફાકારક વ્યૂહ રચના સોનામાં મંદી કરીને ચાંદીમાં તેજી કરવાની હોવી જોઈએ.  
ગોલ્ડ/સિલ્વર રેશિયો 92.50થી ઘટીને મંગળવારે 83 થયો હતો. પણ જો લાંબાગાળાની પંચાવનનો રેશિયો સરેરાશ જોઈએ તો વર્તમાન રેશિયો પણ ખૂબ ઉંચો છે. આનો અર્થ જરાય એવો નથી કે ટૂંકાગાળામાં ચાંદી મોટી તેજીના સંકેત આપે છે. પણ ટેકનિકલ રીતે જોવા જઈએ તો ચાંદી અને સોનામાં ભરપૂર તેજીનો અન્ડરટોન ભરેલો પડ્યો છે, જે સટ્ટાકીય બાયરોને સતત આકર્ષતા રહેશે. ગત સપ્તાહે બજારમાં એવા અહેવાલ આવ્યા હતા કે ચીનના સત્તાવાર ઇકોનોમિક આંકડા સાવ સાચા નથી અને સરકાર તે વધુપડતા ફુલાવીને દાખવી રહી હોવાની શક્યતા છે. 
આ અહેવાલ તો ત્યાં સુધી કહે છે કે સરકાર જીડીપીનો જે વાર્ષિક ગ્રોથ રેટ દાખવી રહી છે તેના કરતાં અડધા, માત્ર 3 ટકા જેટલો જ છે. બજારના જાણતલોને આ સમાચારથી કોઈ આશ્ચર્ય નથી થયું. હોંગકોંગમાં રવિવારે જે પ્રકારે સરકાર સામે જે પ્રદર્શનો થયાં તે બુલિયન બજાર માટે ચિંતાનો વિષય છે. કોમોડિટી બજારમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ વાયદો મજબૂત થઇ 58 ડોલર પ્રતિ બેરલ થયો. અમેરિકન ડોલરની બાસ્કેટ ઇન્ડેક્સ સહેજ નબળી પડી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer