જેક મા અલીબાબાના અધ્યક્ષપદેથી નિવૃત્ત

જેક મા અલીબાબાના અધ્યક્ષપદેથી નિવૃત્ત
જેક માના અનુગામી ડેનિયલ ઝાંગ સામે વિદેશી બજારો પડકારરૂપ
એજન્સીસ
શાંઘાઈ, તા. 10 સપ્ટે.
વિશ્વવિખ્યાત ઓનલાઈન રિટેલર અલીબાબાના દંતકથારૂપ સ્થાપક જેક મા આજે તેના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા હતા, પરંતુ તેમણે સ્થાપેલું વિરાટ આર્થિક સામ્રાજ્ય તેમની વિદાય બાદ પણ નવીન પહેલોના જોરે વિકસતું રહેશે એવી ધારણા છે. પણ, તેમના અનુગામી ડેનિયલ ઝાંગ સામે વિદેશી બજારો પડકારરૂપ બનશે.
પોતાના રમતિયાળ અને રંગદર્શી વ્યક્તિત્વથી ચીનના બિઝનેસ મેનોની ભારેખમ છાપને બદલી નાખનારા ભૂતપૂર્વ અંગ્રેજી શિક્ષક જેક માએ તેમના પંચાવનમા જન્મદિવસે જે કંપનીને તેમણે નાનકડા છોડમાંથી વિશાળ વટવૃક્ષ બનાવી તેના સુકાનીપદેથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી.
જેક મા તેમની 41 અબજ ડૉલરની વિશાળ સંપત્તિનો ઉપયોગ શિક્ષણના વિકાસ માટે કરવા ધારે છે. અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિ. વિશ્વમાં સૌથી મોટી એવી ચીનની ઓનલાઈન શોપિંગ માર્કેટમાં ભારે વર્ચસ્વ ધરાવે છે. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેણે 65.4 કરોડ ચીના ગ્રાહકોને 853 અબજ ડૉલરનો માલ વેચ્યો હતો, જે એમેઝોન અને ઈ-બેના વેચાણના સરવાળા કરતાં પણ વધારે છે. તેની પોતાની આવક 56.2 અબજ ડૉલરની હતી, જેમાંથી 36.9 અબજ ડૉલર (66 ટકા) સ્થાનિક રિટેલ બિઝનેસમાંથી થઈ હતી.
ઘણા નિરીક્ષકોની ધારણા હતી કે અલીબાબા વિદેશી બજારોને પણ આસાનીથી કબજે કરી લેશે, પરંતુ એવું બન્યું નથી. બીજી અનેક મહાકાય ચીની કંપનીઓની જેમ અલીબાબા પણ વિદેશોમાં પોતાનો સિક્કો જમાવવાની મથામણ કરી રહી છે. 2014માં દુનિયાનો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ લાવ્યા બાદ અલીબાબાએ વૈશ્વિકીકરણને સર્વોચ્ચ અગ્રીમતા આપી. પરંતુ ભારત અને સિંગાપોર જેવા દેશોમાં પાંચ અબજ ડૉલરનું રોકાણ ર્ક્યા પછી પણ તેને ધારી સફળતા મળી નથી. ગયે વર્ષે વિદેશી કામકાજમાંથી તેને તેની આવકના માત્ર પાંચ ટકા (2.9 અબજ ડૉલર) મળ્યા હતા.
જેક માના અનુગામી ડેનિયલ ઝાંગ માટે આ એક મોટો પડકાર છે. 2015થી જેક માના ચીફ એક્ઝિક્યુટિવ રહેલા ઝાંગે કંપનીના વિદેશી કામકાજ પર જાતે જ દેખરેખ રાખી છે. છેલછોગાળા જેક મા જાહેરમાં બોલવાના અને ઉદ્દામ વિચારોના શોખીન છે, જ્યારે ઝાંગ કામકાજની વિગતોમાં ઊંડા ઊતરનારા શાંત ધીરગંભીર નેતા છે.
અલીબાબાને બ્રાઝિલ અને રશિયામાં આશાસ્પદ પ્રતિભાવ મળ્યો છે, પરંતુ અગ્નિ એશિયા સહિતની મોટી બજારોમાં હરીફો તેને માત કરતા આવ્યા છે. ચીન કરતાં અલગ પ્રકારના કર્મચારીઓ અને વાતાવરણ સાથે કામ પાડવાનું અલીબાબાને અઘરું લાગ્યું છે. વિદેશી બજારોમાં પગદંડો જમાવવાના પડકારો નવા અધ્યક્ષની કસોટી કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer