મંદીના માહોલ વચ્ચે ન્યૂ યૉર્કમાં ધસમસતો આખલો પણ ઘવાયો

મંદીના માહોલ વચ્ચે ન્યૂ યૉર્કમાં ધસમસતો આખલો પણ ઘવાયો
ન્યૂ યૉર્ક, તા. 10 સપ્ટે.
અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધથી વૈશ્વિક શૅરબજારોમાં તેજીનો નિર્દેશ કરતો આખલો ઘવાયો છે ત્યારે અમેરિકામાં ન્યૂ યૉર્કમાં વૉલ સ્ટ્રીટ સ્થિત ન્યૂ યૉર્ક શૅરબજાર પાસે સ્ટોક એક્સચેન્જની પ્રગતિની-સમૃદ્ધિની ગવાહી આપતા ધાતુના બનેલા આખલાની વિખ્યાત પ્રતિમા પણ `ઘાયલ' થઈ છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ ટેક્સાસના 42 વર્ષના એક શખસે ગયા શનિવારે આખલાની આ પ્રતિમા ઉપર હુમલો કરતાં તેમાં ઘોબા પડી ગયા ગયા હતા અને તેના જમણા શિંગમાં કાણું પાડી નાખ્યું હતું.
ઝીન હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ ઘટનાના તુરંત બાદ પોલીસે આ શખસની ધરપકડ કરી હતી. તેની ઉપર વિવિધ કલમો હેઠળ તોફાન મચાવવાના, હુમલો કરવા અને શત્રો ધરાવવાના ગુના નોંધવામાં આવ્યા છે. જોકે, આ પ્રતિમા ઉપર આ પહેલો હુમલો નથી, આ અગાઉ પણ 2008 અને 2017માં બ્લ્યૂ પેઇન્ટ ઢોળી તેને ખરાબ કરવામાં આવી હતી. `ધી વૉલ સ્ટ્રીટ ચાર્જિંગ બુલ' તરીકે ઓળખાતા આ આખલાની પ્રતિમા 1989માં સ્થાપવામાં આવી હતી અને ત્યારથી તે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer