અૉટો ઉદ્યોગની સમસ્યા દૂર થશે

અૉટો ઉદ્યોગની સમસ્યા દૂર થશે
સત્તાની શતાબ્દી દિનની ઉજવણીએ નિર્મલા સીતારામને આપ્યું વચન
જીએસટી કાઉન્સિલની ગોવા બેઠક ઉપર મીટ
તાણગ્રસ્ત બધાં ક્ષેત્રો માટેનાં રાહતનાં પગલાં સરકારની વિચારણા હેઠળ 
પીટીઆઈ
ચેન્નાઈ, તા. 10 સપ્ટે.
પેસેન્જર વાહનોનું વેચાણ સતત 10મા મહિને ઘટયું છે. આથી અસરગ્રસ્ત અૉટોમોબાઈલ ઉદ્યોગની માગણીનો સરકાર સકારાત્મક પ્રતિસાદ આપશે, એમ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું. 
કંપનીઓ વાહનો પરના જીએસટીનો 28 ટકાનો દર ઘટાડવાની માગણી કરી રહી છે. આ વિશે જીએસટી કાઉન્સિલની તા. 20 સપ્ટેમ્બરે ગોવામાં મળનારી બેઠકમાં નિર્ણય કરાશે.
અમે દેશભરનાં બધાં ક્ષેત્રોની સમસ્યાઓ સમજવાનો અને તે અંગેનાં પગલાંઓ લેવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ સરકાર દરેક ક્ષેત્રની સાંભળે છે અને તે પ્રમાણેનાં પગલાં લે છે. બે મુખ્ય જાહેરાતો અૉગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં કરાઈ હતી અને બે વધુ જાહેરાતો હવે કરાશે એમ સીતારામને જણાવ્યું હતું.
સોસાયટી ઓફ ઈન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સીઆઇ)ની માહિતી પ્રમાણે પેસેન્જર વાહનોનું સ્થાનિક વેચાણ 31.6 ટકા ઘટી અૉગસ્ટમાં 1,96,524 યુનિટોનું રહ્યું છે. 1997-98 પછીનો આ સૌથી તીવ્ર ઘટાડો થયો છે.
ગ્રામીણ અર્થતંત્રના મહત્ત્વના બેરોમીટર સમાન ટુ-વ્હીલર વાહનોનું વેચાણ 22.24 ટકા ઘટી 15,14,196 યુનિટોનું રહ્યું છે જે ગત વર્ષે આ જ ગાળામાં 19,47,304 યુનિટોનું હતું. કંપનીઓ પાસે સ્ટૉક વધી રહ્યો છે. આથી કંપનીઓ ઉત્પાદન ઘટાડી રહી છે.
સિતારામને એ વાતની પણ ખાતરી ગ્રાહકો અને અૉટો ઉત્પાદકોને આપી કે ભારત સ્ટેજ-4 (બીએસ-4) સજ્જ વાહનો જે 31 માર્ચ, 2020 પહેલા રજિસ્ટર્ડ થયા હોય તે તેમના રજીસ્ટ્રેશનના સૂચિતગાળા સુધી માન્ય રહેશે. નાણાંપ્રધાને પહેલા 100 દિવસમાં 10 સરકાર હસ્તક બૅન્કોને ચાર મજબૂત બૅન્કમાં કોન્સોલિડેટ કરવાની જાહેરાત કરી છે. હાલમાં  સરકાર હસ્તક 18 બૅન્કો છે. જે વર્ષ 2017માં 27 હતી સૂચિત મર્જર પછી ફક્ત 12 સરકાર હસ્તક બૅન્કો રહેશે. ઉપરાંત સરકાર વર્તમાન નાણાંકીય વર્ષમાં  સરકાર હસ્તક 10 બૅન્કોમાં રૂા. 55,250 કરોડની આર્થિક સહાય કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer